ગાંધીધામમાં સરેઆમ 11 લાખની સનસનીખેજ લૂંટ

ગાંધીધામમાં સરેઆમ 11 લાખની સનસનીખેજ લૂંટ
ગાંધીધામ, તા. 14 : આદિપુરના 4-એ વિસ્તારમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાની હત્યા નિપજાવી લૂંટારુઓ દાગીના લઇને નાસી જવાનો બનાવ તાજો જ છે તેવામાં આ શહેરના સતત ધમધમતા એવા ગાંધી માર્કેટમાં આવેલી આંગડિયા પેઢીમાં છરીની અણીએ બે શખ્સે રૂા. 11 લાખની સનસનીખેજ લૂંટ?ચલાવતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવ થકી કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ હોવાનો અહેસાસ લોકોને થયો હતો. આદિપુરમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી વૃદ્ધાની હત્યા નિપજાવી દાગીનાની લૂંટના બનાવમાં પોલીસને હજુ કોઇ જ ઠોસ કડી મળી નથી તેવામાં ગાંધીધામમાં વધુ એક લૂંટના બનાવને પગલે ચકચાર પ્રસરી હતી. શહેરની ગાંધી માર્કેટમાં પ્રથમ માળે આવેલી બાબુલાલ આંગડિયા સર્વિસ નામની આંગડિયા પેઢીમાં બપોરનો સમય પસંદ કરીને બે લૂંટારુઓ અંદર ઘૂસ્યા હતા. દુકાનમાં બાબુલાલ પ્રજાપતિ ગાદલાં ઉપર લાંબા પડયા હતા ત્યારે આ લૂંટારુઓએ અંદર ઘૂસી રાધનપુર આંગડિયું કરવાનું છે તેમ કહ્યું હતું. બાબુભાઇએ આ અંગે કાર્યવાહી હાથ?ધરવા જતાં દાઢી-મૂછવાળો તેમજ સફેદ શર્ટ અને પીળું પેન્ટ પહેરનારો શખ્સ દરવાજો ખોલીને બહાર ગયો હતો. મોબાઇલ ઉપર વાત કરવાના બહાને બહાર ગયેલા આ શખ્સે કોઇ આવતું તો નથી ને તે તપાસ કરીને પરત આવ્યો હતો અને આવતાવેંત આંગડિયા પેઢીના સંચાલક બાબુભાઇ?ઉપર કૂદી પડયો હતો. આ બંને શખ્સોએ આંગડિયાના સંચાલકનું ગળું પકડી કાઉન્ટરથી નીચે ઢસડી બહાર લઇ આવ્યા હતા. તેને સૂવડાવી નાખવામાં આવ્યો હતો. એક શખ્સે તેના ઉપર છરી મૂકી હતી તો દાઢી-મૂછવાળો શખ્સ કાઉન્ટર અંદર ઘૂસી પૈસા ભરેલો કાળા રંગનો થેલો લઇ લીધો હતો અને આ બંને શખ્સો નાસી ગયા હતા. લૂંટના આ બનાવમાં ઝપાઝપી થતાં આંગડિયા પેઢીના સંચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસમાં દોડધામ થઇ?પડી હતી. પોલીસે નાકાબંધી, ફિંગરપ્રિન્ટ નિષ્ણાત વગેરેની મદદ લઇને તપાસ હાથ?ધરી હતી. દરમ્યાન, વાગડ પંથકમાં એક કાળા રંગનો થેલો રેઢો અને ખાલી મળી આવ્યો હોવાની વાત પણ સામે આવી હતી. ત્રણ દિવસ દરમ્યાન સંકુલમાં લૂંટના બે બનાવ બનતાં ભારે ચકચાર સાથે ભય પ્રસર્યો હતો. દિવાળીની ખરીદીની ચહલપહલ વચ્ચે રૂા. 10.72 લાખની લૂંટના આ બનાવને પગલે લોકોમાં ફફડાટ?વ્યાપી ગયો હતો. શહેરના ગુરુકુળ વિસ્તારમાં ધાડ સાથે લૂંટ, ટાગોર રોડ?ઉપર આંગડિયા પેઢીના કર્મીની ગાડીમાંથી લાખોની ચોરી, શક્તિનગરમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રૂા. 42 લાખની લૂંટ સહિતના અનેક બનાવોમાં પોલીસ હજુ ફિફાં જ ખાંડે છે તેવામાં વધુ એક લૂંટના બનાવને પગલે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ?ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer