કચ્છમાં ડેંગ્યુ ચિંતાપ્રેરક હદે ગંભીર

કચ્છમાં ડેંગ્યુ ચિંતાપ્રેરક હદે ગંભીર
અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા-  મુંદરા, તા. 14 : ડેંગ્યુ સહિતની બીમારીએ કંઠીપટ્ટના મુંદરાને ધમરોળી નાખ્યું છે. છેલ્લા લાંબા સમયથી સત્તાવાર આંકડા અને વાસ્તવિક આંકડાઓ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સરકારી શું કે ખાનગી શું દવાખાનાઓ દર્દીથી ઊભરાઇ રહ્યા છે અને નાગરિકોમાં રોગચાળાની ભારે અફવા પ્રવર્તી રહી છે. પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. એન. કન્નરની `કચ્છમિત્ર'એ રૂબરૂ મુલાકાત લેતાં તેમણે જણાવ્યું કે, ડેંગ્યુની કોઇ સારવાર નથી તેમ ફોગિંગ મશીન બહુ કારગત નીવડતું નથી. જિલ્લામાં અત્યાર સુધી 645માં 71 નવા કેસ નોંધાતાં કુલ્લ 716 ડેંગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યાં સુધી લોકો જાતે જાગૃત નહીં થાય ત્યાં સુધી ડેંગ્યુ સહિતની બીમારીમાંથી છુટકારો મેળવી શકાશે નહીં. લોકોમાં ડેંગ્યુનો હાઉ ઊભો થયો છે જે પરિસ્થિતિને વધુ ગૂંચવે છે. જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગિરીધર બારિયાએ મુંદરાના હરિનગર, સુખપર, મચ્છીપીઠ વિસ્તાર, ખારવા પાચાડો, કાંઠાવાળા નાકા વિસ્તારમાં ડેંગ્યુના શંકાસ્પદ કેસ વધુ હોવાનું તંત્રના ધ્યાન ઉપર આવ્યું હોવાનું કબૂલ્યું હતું. તાલુકાના કુલ્લ 21 ગામોમાં 264 શંકાસ્પદ ડેંગ્યુના કેસ દફ્તરે નોંધાયાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે સરકારી દવાખાનામાં બહારથી સારવાર માટે આવતા દર્દીઓનો આંક 600ને ઓળંગી ગયો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. સમસુદીન દામાણીએ જણાવ્યું કે, જરૂરી પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં તેની ક્ષમતા કરતાં વધુ દર્દીઓનું લોહી પરીક્ષણની કામગીરી આવી પડી છે. લેબ ટેકનીશિયનના પરિવારમાં પણ બીમારી આવી હોવાથી તેઓ પણ રજામાં ગયા હતા. તેમણે જણાવ્યું કે, સામાન્ય કરતાં વધારે દર્દીઓ આવી પહોંચતાં અમારી ક્ષમતા પણ મપાઇ?જાય છે તેમ છતાં સારવારના દ્રષ્ટિકોણથી કોઇને અસંતોષ ન થાય એ જોવામાં આવે છે. નોંધપાત્ર વિગત એ છે કે, ખાનગી હોસ્પિટલમાં આવતા શંકાસ્પદ ડેંગ્યુના કેસોની જાણ તાલુકા આરોગ્ય અધિકારીને થતી નથી. ખાનગી દવાખાનામાં `હાઉસફુલ'ના બોર્ડ લાગી ગયા છે. સારવાર આપશું પણ દાખલ નહીં કરીએ તેવા જવાબ મળે છે કેમકે એકપણ દર્દીને દાખલ કરવાની ક્ષમતા ખાનગી દવાખાનામાં નથી. જ્યારે અદાણી હોસ્પિટલમાં પણ દર્દીઓને ચકાસવાની કામગીરી મોડે સુધી ચાલુ છે. તાલુકાનું આરોગ્ય તંત્ર?સ્વચ્છતાના મુદ્દે ગ્રામ પંચાયત સમક્ષ કડકાઇથી પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer