મુંદરાને ટૂંક સમયમાં જ નગરપાલિકાનો દરજ્જો

મુંદરાને ટૂંક સમયમાં જ નગરપાલિકાનો દરજ્જો
મુંદરા, તા. 14 : ભારતીય જનતા પક્ષ આયોજિત અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં મુંદરામાં યોજાયેલા આવકાર (પ્રવેશોત્સવ) સમારોહમાં કોંગ્રેસને અલવિદા કરીને 900 જણ ભાજપમાં જોડાયાના દાવા વચ્ચે અધ્યક્ષીય ઉદ્બોધનમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ભાજપ એ કોઈ પાર્ટી-પક્ષ નથી પણ પરિવાર છે અને બંદરીયનગર માટે એક ઐતિહાસિક દિવસ છે. પાટીદાર સમાજવાડી મધ્યે યોજાયેલા આવકાર કાર્યક્રમમાં બોલતાં શ્રી ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને તેનો યશ સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને જાય છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી મોદીનું સ્વપ્ન દેશને કોંગ્રેસમુક્ત કરવાનું છે. આજે મુંદરાથી તેના ફરી એક વખત શ્રીગણેશ થઈ રહ્યા છે. આજના કાર્યક્રમની જાણ રાજ્ય અને રાષ્ટ્રની ભા.જ.પ.ની ઉચ્ચ સ્તરીય સમિતિ સમક્ષ કરવામાં આવશે. તેમણે સરકારની વિવિધ યોજનાઓની  માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પોતાના વક્તવ્યમાં મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે, મુંદરાને ટૂંક સમયમાં નગરપાલિકાનો દરજ્જોઁ મળશે. તેમણે કોંગ્રેસના કાર્યકરો જે ભાજપમાં જોડાયા તેમને અભિનંદન પાઠવ્યા હતા.આજે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ મેળવનારાઓમાં કિશોરસિંહ પરમાર, દિલાવરસિંહ બી. જાડેજા, મહિપતસિંહ આર. જાડેજા, ભગવતસિંહ યુ. પરમાર, નરેન્દ્રસિંહ એચ. પરમાર, રાજેનગિરિ ગોસ્વામી, અરવિંદસિંહ એસ. જાડેજા, રહિમભાઈ એ ખત્રી, નજીબ એસ. અબ્બાસી, સંજય એચ. સોની, ચતુરસિંહ એચ. જાડેજા ઉપરાંત કોંગ્રેસમાં સંગઠનનો હોદો ધરાવતાં સ્વૈચ્છિક સંસ્થા અને જ્ઞાતિ મંડળના પ્રમુખો સહિત અન્ય અંદાજે 900 જણનો સમાવેશ થાય છે. સમારંભના અધ્યક્ષ અને જિલ્લા ભા.જ.પ. પ્રમુખ કેશુભાઈ પટેલે ભાજપના જૂના કાર્યકરોને હળીમળીને રહેવાની સૂચના આપી હતી, જ્યારે નવાગંતુક કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે,  અમો કોઈ પણ શરત વગર જોડાયા છીએ. ધારાસભ્ય વીરેન્દ્રસિંહજીમાં સૌને પોતાના કરવાની તાકાત છે. તેમનો પ્રભાવ જોઈ અમો ભા.જ.પ.માં જોડાયા છીએ. જ્યારે સરકારી ક્ષેત્રના આગેવાન લખુરામભાઈ ગોરડિયાએ કહ્યું હતું કે, અમે 40 વર્ષથી કોંગ્રેસનાં વિવિધ હોદા પર રહી ચૂંટણી લડયા છીએ. ભચાઉના નગરપતિ કુલદીપસિંહ જાડેજા સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા વિભાનસભાની ચૂંટણી સંદર્ભે મુંબઈ ગયા હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, છાયાબેન ગઢવી, દશુબા ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા (મોટી ખાખર), મુંદરા ગ્રા. પં. સરપંચ ધમેન્દ્ર જેસર, પ્રણવ જોષી, મહેન્દ્રસિંહ જાડેજા, ચાંદુભા જાડેજા, પ્રકાશ પાટીદાર, મનીષાબેન કેશવાણી, રણજિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, જુવાનસિંહ ભાટી, અરવિંદ પટેલ, મજીદભાઈ તુર્ક ઉપરાંત માંડવી-મુંદરા ભા.જ.પ. પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભા.જ.પ. મહામંત્રી કીર્તિભાઈ ગોરે કર્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રસના કોઈ કાર્યકરો ખલેલ ન પહોંચાડે તે માટે કોંગ્રેસનાં 12 કાર્યકરોની પોલીસ તંત્રે અટક કરી હતી, જેને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ સાંજે છોડી દેવામાં આવ્યા હતા. જો કે બિન સત્તાવાર રીતે 25થી 30 લોકોને જુદા-જુદા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બસ સ્ટેશન વિસ્તારમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સૂત્રોચ્ચાર  કરી ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા. દરમ્યાન કોંગ્રેસના તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષ સતાના જોરે લોકશાહીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિરોધપક્ષનો અવાજ જ કચડી નાખવાનો પ્રયાસ લોકશાહી માટે લાલબત્તી સમાન છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer