દાદરની જૈન સંસ્થા દિવાળીમાં બે કરોડના મીઠાઇ-ફરસાણ વેચે છે

દાદરની જૈન સંસ્થા દિવાળીમાં બે કરોડના મીઠાઇ-ફરસાણ વેચે છે
કનૈયાલાલ જોશી તરફથી-   મુંબઈ, તા. 14 : મીઠાઈ અને ફરસાણ ખરીદવા માટે કતાર લાગે એવું ક્યાંય જોયું છે ? દીપોત્સવી તહેવારો નજીક છે. એટલે આ દૃશ્ય દાદરમાં જોવા મળશે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-દાદર સંચાલિત વર્ધમાન જૈન ગૃહઉદ્યોગનાં મીઠાઈ અને ફરસાણ આખા મુંબઈમાં વિખ્યાત છે. ગુણવત્તા અને ભાવ બંને વાતે સંસ્થાનો ક્યાંય જોટો જડે તેમ નથી. દાદર-વેસ્ટમાં સ્ટેશનથી ચાલી જવાય એટલું અંતર. આમ તો વર્ષમાં એક દિવસ સંવત્સરી સિવાય 364 દિવસ મીઠાઈ-ફરસાણ મળે, માત્ર મધ્યમવર્ગના જ નહીં શ્રીમંતો પણ ઘરવપરાશ માટે અહીંથી જ ખરીદી કરે. દરરોજ 1200થી 1500 કિલો મીઠાઈ-ફરસાણનું વેચાણ થાય છે પણ દિવાળીના દિવસોમાં તો લાઇન લાગે છે. સામાન્ય રીતે દરરોજ દોઢથી બે લાખ રૂા.નું વેચાણ થાય છે પણ દિવાળીના દિવસોમાં તો અધધધ રૂા. બે કરોડનું વેચાણ થાય છે એનું કારણ છે ગુણવત્તા ઉત્તમ અને `નહીં નફો નહીં નુકસાન'ના ધોરણે વેચાણ થાય છે. એટલે બીજે ક્યાંય ન હોય તેટલા ઓછા દર અહીં છે. ફરસાણ તો 142 રૂા.માં કિલો મળે છે ! વળી ધર્મ કે જાતિના ભેદ વિના કોઇ પણ ખરીદારી કરે.આ ખરીદી માટે મહિલાઓ જ નહીં પુરુષો પણ આવે. સંસ્થાના પ્રાંગણમાં કરસન લધુ નિસર હોલમાં દરરોજ પ્રાર્થનાસભા હોય. તેમાંથી નીકળીને લોકો નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ઘર માટે મીઠાઈ-ફરસાણની ખરીદી કરતા જાય. અત્યંત ચોખ્ખાઈ સાથે બનાવાય છે. તેમાં વપરાતી સામગ્રી જેમ કે, લોટ, તેલ, ઘી આ બધાની પૂરી શુદ્ધતા જાળવીને બનાવવામાં આવે છે.સંસ્થાના અધ્યક્ષ શાંતિભાઈ મારૂ કાર્યાલયમાં દરરોજ હાજરી આપે. તેમણે ગૃહઉદ્યોગની પ્રવૃત્તિ વિષે કહ્યું, `અહીં દરરોજ બધું તાજેતાજું બનાવવામાં આવે છે. બિલ્ડિંગના ટેરેસની મોટી જગ્યા પર મીઠાઈ અને ફરસાણ તાજાં બન્યા કરે. કાજુકતરી (વરખ વગરની), મોહન થાળ, ડ્રાયફ્રૂટ બદામી હલવો, ડ્રાયફ્રૂટ બુંદી લાડુ, આઇસ હલવો અને સોનપાપડી બનાવાય છે. તેની સફાઇનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક સામગ્રી માટે મોટા સ્ટોર રૂમ છે. અનાજ સાફ કરીને લોટ દળવા માટે ત્રણ ચક્કી છે. શાંતિભાઇએ કહ્યું, મીઠાઈ ઘીમાં બને છે. મીઠાઇનો સ્વાદ, તાજગી આ બધાનો આધાર ઘીની શુદ્ધતા પર છે. અમે `શુદ્ધ ઘી'ના લેબલવાળા ઘી બજારમાં મળે છે તેના પર વિશ્વાસ નથી કરતા પણ અમે જે ઘી ખરીદીએ છીએ એની તપાસ લેબોરેટરીમાં ઘીની અસલી ગુણવત્તા જાણવા કરાવીએ છીએ. ફરસાણની વાત કરતાં તેમણે કહ્યું, `અમારે ત્યાં પાપડી, ભાવનગરી, લાકડિયા, માખણિયા, સાદી સેવ, તીખી સેવ, સેવપુરી, મેથીપુરી, જીરાપુરી, નાયલોન સેવ, રાયતા બુંદી, ચેવડામાં રજવાડી ચેવડો, સ્પેશિયલ મિકસ્ચર, મકાઈ ચેવડો, મહાલક્ષ્મી ચેવડો, ડાયટ ચેવડો, નાયલોન પૌંઆ ચેવડો આ બધું મળે છે, નડિયાદી ભૂસું, મગદાળ કચોરી, મિનિ ભાખરવાડી, આ સિવાય સ્ટિક્સમાં સોયા સ્ટિક્સ અને ટોમેટો સ્ટિક્સ ઉપલબ્ધ છે. સક્કરપારા, ચકરી, જે દિવાળી વખતે વપરાતી વસ્તુઓ છે. વેફર્સમાં ટોમેટો વેફર્સ, મરી વેફર્સ, મસાલા- પીળી- કેળાં વેફર્સ, ચોરાફળી, ચિપ્સ, સોયા ચિપ્સ, કોર્ન ચિપ્સ, નાચણી ચિપ્સ, દરરોજ અમારા ગૃહઉદ્યોગમાં બને છે. દિવાળીમાં બલ્ક માંગ હોય છે. મીઠાઈ અને ફરસાણના બલ્ક બુકિંગ, 14મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર દરમિયાન કરાશે. એક આઇટમના ઓછામાં ઓછા 25 પેકેટ લેવા જરૂરી છે. બુકિંગ કરાવેલો માલ 21મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર સુધીમાં મળશે. એમ પણ શાંતિભાઈ મારૂએ અંતમાં જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer