ત્રણ મહિના પહેલાં 1 કરોડના ખર્ચે બનેલો માર્ગ ઉબડ ખાબડ

ત્રણ મહિના પહેલાં 1 કરોડના  ખર્ચે બનેલો માર્ગ ઉબડ ખાબડ
કાઠડા (તા. માંડવી), તા. 14 : માંડવી શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવેનું 7 કિ.મી. માર્ગનું કામ જુલાઈ મહિને એક કરોડના ખર્ચે કરાયું અને હવે માત્ર ત્રણ જ મહિનામાં અનેક જગ્યાએ માર્ગ ઉબડખાબડ થઈ જતાં તેની સામે અનેક સવાલો ઊભા થયા છે. માંડવીમાં નાગલપર રસ્તાથી કાઠડા ફાટક સુધીનો 7 કિ.મી. જેટલા અંતરના આ માર્ગમાં પોસ્ટ ઓફિસ સામે શીતલા માના મંદિર સામે, સોનાવાળા નાકા તેમજ અનેક જગ્યાએ રસ્તા વચ્ચે માત્ર ત્રણ મહિનામાં જ ખાડા પડી જતાં તે કામની ગુણવત્તા અંગે જાગૃત નાગરિકો સવાલો કરી રહ્યા છે. આ અંગે આ વિસ્તારના નેશનલ હાઈવે વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ઠાકોરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ 7 કિ.મી. અંતરનો માર્ગ સુધારણાનું કામ એક કરોડના ખર્ચે જુલાઈ માસમાં કરાયું હતું અને આ રસ્તા વચ્ચે ખાડા અંગે પૂછતાં ઉમેર્યું હતું કે, જે જમીનમાં ફેરફારના કારણે દેખાયા છે. વરસાદની મોસમ હોતાં અમુક જગ્યાએ જમીનમાંથી લાઈનો પસાર થતી હોય છે. જે જમીન વરસાદમાં બેસતી હોય છે. જેના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવે છે. પરંતુ તે અંગે કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં તેનું રિપેરિંગ કરી દેવાશે તેવું ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer