વાગડમાં મગ, ગુવાર અને બાજરાનો પાક નષ્ટ થતાં ખેડૂતોને વ્યાપક નુકસાની

વાગડમાં મગ, ગુવાર અને બાજરાનો પાક નષ્ટ થતાં ખેડૂતોને વ્યાપક નુકસાની
ચોબારી (તા. ભચાઉ), તા. 14 : રાપર તાલુકાના પ્રાંથળ અને વાગડ વિસ્તારમાં અષાઢ માસમાં વરસાદ થતાં ખેડૂતોએ  દેવું કરીને ધાન્ય તેમજ કઠોળ, ગુવાર વગેરે પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ પડયા પર પાટુ મારવા જેવી સ્થિતિનું નિર્માણ છેલ્લા વરસાદના લીધે થયું છે. ખેડૂતોનો ખરીફ પાક લણણી કરવાના સમયે તૈયાર હતો, તેવામાં કુદરતની થપાટથી ખેડૂતોના મોંએ  આવેલો કોળિયો છીનવાઇ ગયો છે.રાપર તાલુકાના ખાસ કરીને ગેડી, બાલાસર, ફતેહગઢ, ખાંડેક, મોડા, દેશલપર, વ્રજવાણી વગેરે વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાનીનો માર  વેઠવો પડયો હોવાનું ગેડીના બાબુભાઇ સોલંકીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં ઊભો પાક સડી જવા પામ્યો છે. ગુવાર, મગની સીંગો ઊભા છોડમાં જ ઊગી નીકળી છે, તો બાજરાના ડુંડામાં પણ બાજરો ઊગી નીકળતાં સો ટકા નુકસાની અહીંના ખેડૂતોને ભોગવવી પડશે.વાગડ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જો સરકાર ખેડૂતોને વીમો નહીં આપે તો આ વિસ્તારના ખેડૂતો રવીપાકનું વાવેતર કરવા માટે પણ સક્ષમ રહ્યા નથી. આથી સરકાર સત્વરે  રવીપાકના વાવેતર પૂર્વે ખેડૂતોને  ન્યાય આપે તો જ ખેડૂતો બેઠા થઇ શકે. કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયેલાં હોવાથી કપાસ અને એરંડાનો પાક પણ નિષ્ફળ?જવા પામ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer