નવી દુધઈની શેરીએ શેરીએ કચરાના ગંજ: ગટર લાઈનોની ચેમ્બરના ઢાંકણા તૂટેલાં

નવી દુધઈની શેરીએ શેરીએ કચરાના ગંજ:  ગટર લાઈનોની ચેમ્બરના ઢાંકણા તૂટેલાં
નવી દુધઈ (તા. અંજાર), તા. 14 : તાલુકાના નવી દુધઈમાં દુધઈ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ મામલે ઓરમાયુ વર્તન દાખવાય છે. કારણ કે નવી દુધઈમાંથી દુધઈ ગ્રામ પંચાયતને કોઈ પણ જાતની આવક ન મળતાં નવી દુધઈની શેરીએ શેરીએ કચરાના ગંજ ખડકેલા છે. ગટર લાઈનોની ચેમ્બરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. બીજી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ ઠરાયાની નવી દુધઈમાં આજેય પણ અસર જોવા મળતી નથી. નવી દુધઈમાં ઘણા સમયથી પંચાયત દ્વારા સફાઈનું કામ કરવામાં આવ્યું નથી, તેવું ગ્રામજનોએ જણાવી ઉમેર્યું હતું કે, જૂની દુધઈ-અમરાપરમાં પંચાયતના સફાઈ કામદારો દ્વારા રોજ સાફ સફાઈ થઈ રહી છે, ત્યારે નવી દૂધઈમાં શા માટે સફાઈ કામદાર રાખવામાં આવતા નથી ? ઈન્દ્રપ્રસ્થ પ્રાથમિક શાળા, આંગણવાડી, જૈન દેરાસર અને એપીએમસીમાં રસ્તા વચ્ચો વચ્ચ કચરાના ગંજ ખડકાયેલા છે.જો આ કચરાના ગંજ નહીં ઊપડે તો લોકોને વાયરલ તાવ બીમારીનો ભય સતાવી રહ્યો છે. હમણા સારા વરસાદ થયા હોવાના કારણે શેરીની આજુ-બાજુ બાવળની ઝાડીઓ રસ્તાઓ રોકી બેઠી છે. આ બાબતે સરપંચ દેવશીભાઈનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો ફોન ઉપાડવામાં આવ્યો નહીં. જો કે દુધઈમાં હાલ મચ્છરોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે, જેનાથી લોકોને નાની-મોટી બીમારીનો ભય સતાવે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer