હાજીપીરની ખાનગી કંપની-ટ્રાન્સપોર્ટ એસો. વચ્ચે સમાધાનથી ટ્રક માલિકોને હાશકારો

હાજીપીરની ખાનગી કંપની-ટ્રાન્સપોર્ટ એસો. વચ્ચે સમાધાનથી ટ્રક માલિકોને હાશકારો
નખત્રાણા, તા. 14 : છેલ્લા એકાદ મહિનાથી પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન તેમજ હાજીપીર પાસેની આર્ચિયન કંપની વચ્ચે ચાલતા વિવાદના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કંપનીના અધિકારીઓ વચ્ચે જિલ્લા કલેક્ટર નાગરાજન સમક્ષ સુખદ સમાધાન બાદ એકાદ મહિનાથી બંધ પડેલું નમક પરિવહન સોમવાર સાંજથી શરૂ થઇ જતાં ટ્રક માલિકોએ હાશકારો અનુભવ્યો હતો. આજે બપોર બાદ જિલ્લા કલેક્ટર નાગરાજન સાથે કંપની અધિકારીઓ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વચ્ચે થયેલી બેઠક બાદ સાંજે પાંચેક વાગ્યે અહીંના બાપા સીતારામ કોમ્પ્લેક્સમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટની તાકીદની બેઠક મળી હતી. બેઠકમાં ધારાસભ્યએ સમાધાનની વિગતો આપતાં કહ્યું હતું કે, કંપનીના અધિકારીઓ સાથે લાંબી ચર્ચા બાદ કંપનીએ બાંહેધરીપત્ર આપ્યું હતું જેમાં આર્ચિયન કંપનીમાં નમક ભરવા પશ્ચિમ કચ્છને પ્રથમ અગ્રતા આપવાની સાથે જ્યારે જ્યારે કંપનીને વધારે ટ્રકો જોઇશે ત્યારે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશને વ્યવસ્થા કરી આપવાની રહેશે તેમજ એસોસિયેશન માન્યતા સિવાયની કોઇ ટ્રક ચાલુ નહીં કરવામાં આવે, મતલબ નમક પરિવહન નહીં કરી શકે. આમ સુખદ અંત આવ્યો હતો. તો આ અંગે આજે સવારે પણ ટ્રક એસોસિયેશનની બેઠક મળી હતી જેમાં સમાધાન નહીં થાય તો ટ્રક માલિકો કાયદો હાથમાં લીધા વિના ગાંધીચીંધ્યા માર્ગે લડત આપવાનું નક્કી કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer