ગાંધીધામમાં રેલવેની દબાણ હટાવ ઝુંબેશ જારી : વધુ 100 કાચાં-પાકાં દબાણ તોડાયાં

ગાંધીધામમાં રેલવેની દબાણ હટાવ ઝુંબેશ જારી : વધુ 100 કાચાં-પાકાં દબાણ તોડાયાં
ગાંધીધામ, તા. 14 : કંડલા તરફ જતા રાષ્ટ્યી ધોરી માર્ગ ઉપર રેલવેની જમીન ઉપર બની ગયેલી ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઉપર  આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે  રેલવે દ્વારા બુલડોઝર ફેરવી  દેવાયું હતું. આગામી દિવસોમાં અન્ય જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવવાનું પ્રશાસન દ્વારા જારી રાખવામાં આવશે. રેલવે ગુડઝ શેડની બાજુમાં  આવેલી કાર્ગો ઝૂંપડપટ્ટીમાં તાજેતરમાં રેલવે દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી. આ  દરમ્યાન વિરોધનો સૂર ઉઠતા વૈકલ્પિક વ્યવસ્થા માટે 10 દિવસની મુદત આપવામાં આવી હતી. જે આજે પૂરી થઈ હતી. આજે સવારે 11 વાગ્યાથી આર.પી.એફ. રેલવે પોલીસ અને સ્થાનિક બી.ડિવિઝન પોલીસ સહિત 100 જેટલા સુરક્ષા કર્મીઓના બંદોબસ્ત સાથે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જે સાંજ સુધી ચાલી હતી. આજની ઝુંબેશ દરમ્યાન  25 જેટલા કાચાં અને 15 જેટલા પાકાં મકાનો સહિત 100 જેટલા દબાણો તોડી પાડી  રેલવેની માલિકીની જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. હવે ફરી દબાણ ન થાય તે માટે ફેન્સીંગ કરી દેવાશે. એરિયા રેલવે મેનેજર આદિશ પઠાનિયા  અને રેલવેના અન્ય અધિકારીઓએ રેલવે હસ્તકની અન્ય જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણોની જાતમાહિતી મેળવી હતી. આ દરમ્યાન એક એક રૂમની આખી સોસાયટી બની ગયેલી નજરે પડતા અધિકારીઓ ચોંકી ઊઠયા હતા. રેલવે દ્વારા અગાઉ  મચ્છુ નગર નજીક બ્લોક કેબિન પાસે થયેલા  કાચાં પાકાં દબાણો હટાવાયા હતા. બાદમાં કલેકટર રોડ ઉપર આવેલી રેલવે કોલોનીના પ્રવેશદ્વાર પાસે થયેલા  8 પાકા દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. હવે આજે  કાર્ગો ઝૂંપડપટ્ટી ખાતેના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. કારના શોરૂમ સુધી રેલવેની જમીન ઉપર થયેલા દબાણો આગામી સમયમાં તોડી પાડવામાં આવશે તેવું પ્રશાસનના વર્તુળોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer