માંડવીમાં ફોજી વતી પરીક્ષા આપતો ડમી પકડાયો

માંડવી, તા. 14 : રાષ્ટ્રવાદ સાથે નજીકનો નાતો ધરાવતા માંડવી શહેરની સરકારી વિજ્ઞાન કોલેજમાં આજે ચાલી રહેલી યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમ્યાન એક ફોજીના નામ પર બેસીને પેપર લખતો ડમી યુવાન પકડાતાં ચકચાર જાગી છે. આ પ્રકરણ ભીનું સંકેલવા માંડવી સંલગ્ન રાજકીય વર્તુળો તથા યુનિવર્સિટીના અમુક વગદારોએ પ્રયાસ કર્યા પણ સોશિયલ મીડિયા પર માફીપત્ર સહિતની વિગતો વાયરલ થઈ જતાં અને ડમીને ઝડપનાર કોલેજ તંત્ર મક્કમ રહેતાં અંતે માંડવી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરાઈ છે. કોલેજની પરીક્ષામાં તોફાની તત્ત્વો થોડીઘણી ધમાલ-મસ્તી કરે તે સ્વાભાવિક છે, પરંતુ આ ડમી પરીક્ષાર્થી પ્રકરણની ગંભીરતા એ છે કે, અસલ પરીક્ષાર્થી ભારતીય સૈન્યમાં સિપાઈ તરીકે ફરજ બજાવતો હોવાનું ડમી તરીકે પકડાયેલાએ કબૂલ્યું અને રજા ન મળતી હોવાનું બહાનું આપી તેના બદલે પોતે પરીક્ષા આપતો હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. જો ડમી ન પકડાત તો પરીક્ષાર્થી વગર પરીક્ષા આપે, પાસ થઈ સૈન્યમાં ડિગ્રીના આધારે બઢતી મેળવત અને સાથોસાથ જે નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ 12 માસની તૈયારી કરીને ગંભીરતાથી પરીક્ષા આપે છે તેને પણ નુકસાન જાત. જો કે સરકારી કોલેજના સત્તાધીશોએ ન્યાયના હિતમાં કોઈની શેહશરમ રાખ્યા વિના મામલો પોલીસ સ્ટેશને પહોંચાડી દેતાં હવે આવા અન્ય ડમીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ડમી ઉમેદવાર શાખરા કરસન આલાભાઈ એક્સટર્નલ ઉમેદવાર ફોજી કાનાણી ભારૂ  પંચાણ વતી યુનિ. સંલગ્ન ઈતિહાસના સેમેસ્ટર-3ની પરીક્ષા આપતો હતો, પરંતુ બ્લોકના સુપરવાઈઝરને ઉમેદવારની રસીદ પરના ફોટા અને ડમી વચ્ચે ફરક હોવાની શંકાના આધારે પૂછપરછ કરતાં તેણે ડમી હોવાનું કબૂલ્યું હતું અને લેખિતમાં માફીનામું લખી આપતાં સિનિયર સુપરવાઈઝર ધર્મેશ વાવૈયાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer