ભુજમાં પતિએ માર મારતાં પત્નીને અસ્થિભંગની ઈજા
ગાંધીધામ, તા.14 : ભુજના ઈન્દિરાનગરી સાગર સોસાયટીમાં પતિએ પત્નીને માર મારતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ ગાંધીધામનાં ભારતનગરમાં બે શખ્સોએ બે યુવાનો ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ભુજના સાગર સોસાયટી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા પ્રીતિબેન ગોરે પોતાના પતિ હિતેશ પ્રેમજી ગોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ તું મને ગમતી નથી તેમ કહી પોતાની પત્નીને શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. દરમ્યાન ગઈકાલે બપોરે તેણે પોતાની પત્નીને માર મારતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બીજીબાજુ ગાંધીધામનાં ભારતનગર 36 ક્વાર્ટરમાં વધુ એક મારામારીનો બનાવ બન્યો હતો. દેવચેતન વિશ્વકર્મા નામનો કિશોર અને તેનો મિત્ર દુકાનના ઓટલા ઉપર બેઠા હતા. દરમ્યાન ત્યાંથી સચિન રાજપૂત અને નિકુલસિંઘ રાજપૂત નીકળતાં અમને કેમ જુઓ છો તેમ કહી આ શખ્સોએ દેવ અને તેના મિત્ર ઉપર છરી તથા સ્ટીલના કડા વડે હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.