આદિપુરમાં ઘરમાં અકસ્માતે આગ લાગતાં દાઝી ગયેલા આધેડનું મોત

ગાંધીધામ, તા. 14 : આદિપુરના બે વાળી લેબર કેમ્પ વિસ્તારમાં આગ લાગતાં ચાર લોકો દાઝી ગયા હતા. જે પૈકી સારવાર હેઠળ રહેલા હીરજીભાઇ કાનજી મહેશ્વરી નામના આધેડે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી બાજુ અબડાસા તાલુકાના ઉકીરમાં ઘરના વાડામાં દાઝી જતાં અરવિંદ ગોરા રબારી (ઉ.વ. 17) નામના કિશોરનું મોત થયું હતું. આદિપુરના બે વાળી વિસ્તારમાં ગઇકાલે બપોરે આ બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં રહેતા નારાણ ડોરૂના ઘરે આ ઘરધણી પોતે દેવજી લાંબા અને હીરજી મહેશ્વરી તથા એક યુવાન એમ ચાર લોકો હાજર હતા. બપોરે આ લોકો ચા બનાવી રહ્યા હતા તે દરમ્યાન ગેસની બોટલમાં ગેસના ચૂલાની લાઇન બેસાડતી વખતે આ બનાવ બન્યો હતો. ગેસ હવામાં પ્રસરી જતાં અને થોડે દૂર પ્રાઇમસ ચાલુ હોવાથી આગનો ભડકો થયો હતો. જેમાં આ ચારેય દાઝી ગયા હતા. નારાણ અને દેવજીને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યારે ગંભીર રીતે દાઝી જનાર હીરજી મહેશ્વરીને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં આ આધેડે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. આગ લાગવાનો બીજો બનાવ ઉકીરમાં બન્યો હતો. ગત તા. 9-10નાં ઢળતી બપોરે અરવિંદ રબારી પોતાના ઘરના વાડાનાં બાવળના કાંટા સળગાવી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક પોતે દાઝી ગયો હતો. તેને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ગઇકાલે રાત્રે આ કિશોરે દમ તોડી દીધો હોવાનું પાલીસે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer