પાનેલીની સીમમાં છ પવનચક્કી તસ્કરોનું નિશાન : વાયર ચોરાયો

ગાંધીધામ, તા. 14 : નખત્રાણા તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલી 6 પવન ચક્કીમાંથી રૂા. 64,000ના 640 મીટર વાયરની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.પાનેલી ગામની સીમમાં આવેલી આઇનોક્ષ વિન્ડ કંપનીની પવનચક્કીમાં તસ્કરોએ હાથ માર્યો હતો. આ ગામની સીમમાં કંપનીની પવનચક્કી પોઇન્ટ નંબર 89, 90, 94, 95, 96 અને 183 આવેલી છે. કંપનીના ખાનગી સુરક્ષા કર્મીઓએ ગત તા. 3-10ના અહીં તપાસ કરતાં બધું બરોબર હતું પરંતુ તા. 10-10ના પરત અહીં તપાસઅર્થે આવતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ છ પવનચક્કીમાં અર્થિંગ વાયર લગાડેલા હતા. જેમાં પાંચ પવનચક્કીમાંથી 185 એમ. એમ.નો 600 મીટર તથા એકમાંથી 150 એમએમનો 40 મીટર એમ 640 મીટર કોપરનો વાયર કિંમત રૂા. 64,000ની કોઇ શખ્સો ચોરી કરીને નાસી ગયા હતા. ત્રણ દિવસ અગાઉ પ્રકાશમાં આવેલા ચોરીના આ બનાવ અંગે ગુરુમિતસિંઘ કિશોરસિંઘ નેતુસિંઘ રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer