ભુજમાં રાજકીય આગેવાનના પુત્રે છરી વડે એકને ઘાયલ કરતાં ચકચાર

ભુજ, તા. 14 : શહેરમાં ધમધમતાં સ્ટેશન રોડ પર આજે ભરબપોરે છરી વડે હુમલો થતાં અને હુમલો કરનાર રાજકીય આગેવાનનો પુત્ર હોવાથી શહેરમાં ચકચાર પ્રસરી છે.જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં નોંધાયેલી એમએલસીમાં ભોગ બનનારના ભાઈએ લખાવેલી વિગત મુજબ આજે બપોરે 3.30 વાગ્યા દરમ્યાન રાજેન્દ્રનગરમાં રહેતા અબ્દુલ હમીદ ઉમર સમા (ઉ.વ.30) અને તેનો મિત્ર ઈમરાન સોઢા તેના મિત્રને બી-ડિવિઝન પોલીસ મથકે મળવા જઈ રહ્યા હતા ત્યારે રવિ ટોકીઝ સામે જોશી પેટ્રોલ પંપની બાજુમાં અચાનક ઈમરાન જુમ્મા નોડેએ આવીને ઈમરાન સોઢાને મારવા લાગ્યો હતો, ત્યારે તેના મિત્ર ઈમરાનને બચાવવા અને વચ્ચે પડી છોડાવા જતાં ઈમરાન નોડેએ અબ્દુલને કરોડરજ્જુ પાસે છરીનો ઊંડો ઘા મારી દીધો હતો. આ જીવલેણ હુમલાની જાણ થતાં અબ્દુલનો ભાઈ હુજેફા તેની સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. આ બાબતે ભુજના એ અને બી ડિવિઝન પોલીસ મથકોનો સંપર્ક સાધતાં આ અંગેની નોંધ ન થઈ હોવાની જાણકારી મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરાજાહેર ધોળા દિવસે બનેલી આ ઘટનામાં છરી હુલાવનાર રાજકીય આગેવાનનો પુત્ર હોવાથી આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer