બીસીસીઆઈમાં `દાદાગીરી'' : ગાંગુલી અધ્યક્ષપદે નિશ્ચિત

નવી દિલ્હી, તા. 14 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષપદે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દાદાના નામે પ્રખ્યાત સૌરવ ગાંગુલીનું નામ નિશ્ચિત થઈ ચુક્યું છે. રવિવારે થયેલી બેઠકમાં અધ્યક્ષ પદે ગાંગુલીના નામ ઉપર સહમતિ બની હતી. ત્યારબાદ આજે સોમવારે બપોરે બીસીસીઆઈ ઓફિસે ગાંગુલીએ ઉમેદવારી નોંધાવી હતી. આ અગાઉ  બૃજેશ પટેલનું નામ અધ્યક્ષપદની દાવેદારીમા આગળ હતું. જો કે તેઓને આઈપીએલના ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવશે. બીજી તરફ અમિત શાહના પુત્ર જય શાહને સચિવ પદની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે. તેમજ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધુમલની કોષાધ્યક્ષ તરીકે પસંદગી થઈ શકે છે. બીસીસીઆઈના આગામી પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, બીસીસીઆઈમાં સારૂ કામ કરવાનો સુવર્ણ મોકો છે કારણ કે તે એવા સમયે બોર્ડની કમાન સંભાળી રહ્યો છે જ્યારે બોર્ડની છબી ખરાબ થઈ રહી છે. ગાંગુલીએ કહ્યું હતું કે, તેની પ્રાથમિકતા પ્રથમ શ્રેણીના ક્રિકેટરોની આર્થિક સ્થિતિ સુધારવાની રહેશે. ગાંગુલીનો ઈરાદો ભારતીય ક્રિકેટના તમામ પક્ષોને મળવાનો છે અને છેલ્લા 33 મહિનામાં પ્રશાસકોની સમિતિ નથી કરી શકી તેવા તમામ કામ પુરા કરવાનો છે. ગાંગુલીએ કહ્યું હતું કે,  પદ સંભાળ્યા બાદ પહેલા તમામ પક્ષો સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણયો થશે. જેમા પ્રાથમિકતા પ્રથમ શ્રેણીના ક્રિકેટરોની દેખરેખ રાખવાની હશે.ગાંગુલીનો અધ્યક્ષપદ ઉપરનો કાર્યકાળ 10 મહિનાનો રહેશે અને કુલિંગ ઓફના નિયમને કારણે જુલાઈ મહિનામાં પદ છોડવું પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,000થી પણ વધારે રન બનાવનારા ગાંગુલીએ કહ્યું હતું કે, નિર્વિરોધ ચૂંટાવું ખૂબ જ મોટી જવાબદારી છે. બીસીસીઆઈ વિશ્વ ક્રિકેટનું સૌથી મોટુ સંગઠન છે અને જવાબદારી પણ મોટી છે. કાર્યકાળ 10 મહિનાનો જ હશે તેવા સવાલ ઉપર ગાંગુલીએ કહ્યું હતું કે, ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે બૃજેશ પટેલનું જ નામ લીધું હતું પણ તે સમયે પરિસ્થિતિમાં બદલાવ આવી ગયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer