અધ્યક્ષ પદ માટે શ્રીનિવાસન અને ઠાકુર જૂથ હતું સામસામે

નવી દિલ્હી, તા. 14 : ક્રિકેટના મેદાનમાં દાદાગીરીથી લઈને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈના અધ્યક્ષપદને પસંદગી થવા સુધીમાં સૌરવ ગાંગુલીનો રસ્તો સરળ નથી રહ્યો.  રવિવારે મુંબઈની એક બેઠક હોટલમાં બીસીસીઆઈના બોસની પસંદગી માટેની બેઠક હતી. પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને એન શ્રીનિવાસના જુથ સામસામે હતા. એક તરફ શ્રીનિવાસનું સમર્થન પ્રાપ્ત પૂર્વ ક્રિકેટર બૃજેશ પટેલ હતા. તો બીજી ભારતી સૌરવ ગાંગુલીનું નામ હતું. અંતમાં સૌરવ ગાંગુલી બૃજેશ પટેલ ઉપર ભારે પડયો હતો. ક્રિકેટની બે પાવરફૂલ લોબીએ પોતપોતાના ઉમેદવારને અધ્યક્ષ બનાવવા તનતોડ મહેનત કરી હતી. ભારે મહેનત બાદ બેઠકમાં બીસીસીઆઈ અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીના નામ ઉપર સહમતિ બની હતી અને બૃજેશ પટેલને આઈપીએલના ચેરમેન બનાવવાનો ફેંસલો થયો હતો. કહેવાઇ રહ્યું છે કે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનને ગૃહમંત્રી અમિત શાહને મળીને બૃજેશ પટેલના નામની તરફેણ કરી હતી. બીજી તરફ ગાંગુલીએ પણ અમિત શાહને મળીને બીસીસીઆઈ અધ્યક્ષ બનવાની ઈચ્છ વ્યક્ત કરી હતી. અધ્યક્ષ પદની દોડમાં ગાંગુલીને અનુરાગ ઠાકુરનું પણ સમર્થન હતું. ઠાકુર બીસીસીઆઈ અધ્યક્ષ રહી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી હોવાની સાથે ઠાકુરની ક્રિકેટમાં પણ અસરકારક દખલ રહે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer