પાંચ વિક્રમ કોહલી માટે વિરાટ

નવી દિલ્હી, તા.14 : ક્રિકેટનાં મેદાન પર કંઈપણ અશક્ય નથી, એ વાત સાચી, પરંતુ બેટિંગના અનેક વિક્રમો રચી ચૂકેલા ટીમ ઈન્ડિયાના કાબેલ સુકાની વિરાટ કોહલી માટે પાંચ વિક્રમ એવા છે, જે તોડવા મુશ્કેલ બની શકે છે. - સૌથી વધુ ટેસ્ટ : કોહલીએ 81 ટેસ્ટ મેચ રમી છે. સૌથી વધુ 200 ટેસ્ટ રમવાનો વિક્રમ સચિન તેંડૂલકરના નામે છે, ત્યારે આવતા મહિને 31 વર્ષના થનાર વિરાટને આ વિક્રમ તોડવા માટે ઘણા લાંબા સમય સુધી રમવું પડે તેમ છે. - લારાના 400 રન :? બ્રાયન લારાએ 2004માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 400 રન કર્યા હતા. આ વિક્રમ તોડવા કોહલીએ વિકેટ પર ટકવું પડશે, એવું નથી કે, તેનામાં લાંબા સમય સુધી રમવાનો સ્ટેમિના નથી, પરંતુ તેવી સ્થિતિમાં મેચ ડ્રો જવાની શક્યતા વધી જાય છે. કોહલી ટીમનાં હિતને પોતાનાથી ઉપર રાખતા ખેલાડી છે. - સૌથી વધુ ટેસ્ટ સદી :  આ વિક્રમ પણ સચિનનાં નામે છે. તેમણે 24 વર્ષની કારકિર્દીમાં 51 ટેસ્ટ સદી અને 68 અર્ધસદી કરી છે. કોહલીની 26 સદી છે. આ વિક્રમ કોહલી તોડી શકે, પરંતુ તેના માટે લાંબા સમય સુધી સતત ફોર્મ સાથે રમવું પડશે. - વન-ડેમાં સૌથી વધુ અર્ધસદી : આ વિક્રમ પોતાના નામે કરનાર સચિન તેંડૂલકરે 96 અર્ધસદી કરી છે, કોહલીની 54 અર્ધસદી અત્યાર સુધી છે. માની લઈએ કે, હજુ 7-8 વર્ષ સુધી રમે, તો વિરાટને વધુ 43 અર્ધસદી કરવી પડશે. - સૌથી ઝડપી વન-ડે સદી : વેસ્ટઈન્ડિઝ સામે માત્ર 31 દડામાં સદી સાથે આ વિક્રમ ડિવિલિયર્સે કર્યો હતો. કોહલી ચોગ્ગા વધુ મારે છે, છગ્ગા ઓછા. આ વિક્રમ તોડવા વિરાટે વધુ આક્રમક થઈને રમવું પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer