મહિલા ટીમ ઇન્ડિયાના સ્પિનરોનો તરખાટ : 3-0થી પ્રોટિસનો સફાયો

વડોદરા, તા. 14 : અનુભવી એકતા બિષ્ટની આગેવાનીમાં સ્પિનરોની શાનદાર બોલિંગથી ભારતીય મહિલા ટીમે ઓછા સ્કોરના ત્રીજા અને અંતિમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 6 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતા 45.5 ઓવરમાં 146 રને ઓલઆઉટ થઈ હતી. જો કે સ્પિનરોએ ઓછા સ્કોરનો બચાવ કર્યો હતો અને દક્ષિણ આફ્રિકાની ટીમને 48 ઓવરમાં 140 રને સમેટી હતી.  મેન ઓફ ધ મેચ બનેલી એકતા બિષ્ટે 32 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 22 રન આપીને બે અને સ્પિનર દિપ્તિ શર્માએ પણ બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્જ અને માનસી જોશીએ 1-1 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની કુલ 7 ખેલાડી બે અંક સુધી પહોંચી હતી પણ સર્વોચ્ચ સ્કોર મારિજાન કૈપે 29 રન કર્યો હતો. કેપને શ્રેણીની સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવી હતી. આ અગાઉ ભારતની શરૂઆત  પણ સારી રહી નહોતી અને બીજી ઓવર સુધીમાં બન્ને ઓપનર પ્રિયા પુનિયા અને રોડ્રિગ્જ પેવેલિયન પરત ફરી હતી. પૂનમ રાઉત અને મિતાલી રાજ પણ મેદાનમાં પુરતો સમય વિતાવવા છતા લાંબી ઈનિંગ રમી શકી નહોતી.  ભારતનો સ્કોર 30 ઓવરમાં છ વિકેટે 71 રન હતો પણ હરમનપ્રિત (38) અને શિખા પાંડે (35)ના પ્રયાસોના કારણે ટીમ 150 રન નજીક પહોંચી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer