કોટડા (રોહા) ગ્રામ પંચાયતનું અબોલ જીવો માટે ઉમદા કાર્ય

કોટડા (રોહા) (તા. નખત્રાણા), તા. 14 : ગ્રામ પંચાયત દ્વારા 150 એકર જમીનમાં અબોલ જીવો માટે લીલા ચારાનું વાવેતર કરાયું હતું. જૈન મહાજન સંચાલિત માતા નેણબાઇ હેમરાજ ભારમલ ગાલા ગૌ-નીરણ કેન્દ્રમાં ગૌશાળા કાર્યરત હતી. પરંતુ બાદમાં ગામના સરપંચ પ્રવીણસિંહ સોઢા તથા જૈન અગ્રણી તારાચંદભાઇ દેઢિયા દ્વારા પ્રગતિ ટ્રસ્ટની રચના કરી અને ગૌશાળાનો નિભાવ તથા સંપૂર્ણ દેખરેખ આ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઇ હતી. ત્યારબાદ ઢોરવાડાને મંજૂરી મળતાં તે પણ આ ટ્રસ્ટની અંતર્ગત શરૂ કરાયો હતો તથા આ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી તેમજ સુંદર વહીવટ થકી ભયંકર દુષ્કાળનો સામનો કરી રહેલા 1000થી પણ વધારે અબોલ જીવોને દુષ્કાળના કપરા કાળમાંથી હેમખેમ ઉગારી લેવાયાં હતાં. સચરાચર વરસાદ થતાં જંગલમાં પણ લીલું ઘાસ પુષ્કળ પ્રમાણમાં ફૂટી નીકળતાં હાલના તબક્કે પશુઓના ચરિયાણ માટે પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો છે જે રાહતરૂપ છે. પરંતુ આ ગામના સરપંચ સમગ્ર ગ્રામ પંચાયત, પ્રગતિ ટ્રસ્ટ દ્વારા ઘાસચારાના આગોતરા સંચયના ભાગરૂપે 150 એકર જમીનમાં જુવારનું વાવેતર કરાયું છે જેનો ખેડાણ તથા વાવણી અને સંપૂર્ણ માવજત દેખરેખનો ખર્ચ ગ્રા.પં. ઉપાડી રહી છે. આ પાક તૈયાર થયા બાદ તેને સૂકવી અને જુવાર (કડબ)ના પૂળાવાળી અને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરાશે અને જરૂર પડયે આ ગૌશાળાના અબોલ જીવો માટે ઉપયોગમાં લેવાશે.જીવદયાના કાર્યમાં જે અગ્રણીઓ પેતાની જમીન ખેડવા આપી છે તે પૈકી કેશવજી હેમરાજ વિકમાણી, વિસનજી ધારશી પાસડ, જેઠાલાલ દેવજી હરિયા, કલ્પેશ મોહનલાલ ગાલા, ધીરજભાઇ વીરજી ગાલા, કુંવરબાઇ શિવજી વિકમાણી, ગુલાબભાઇ ખીમજી દેઢિયા, લીલાધર ખીમજી ગાલા, ગોવિંદ માયા મહેશ્વરી, ઇબ્રાહિમભાઇ હસણ જત વિ.નો સમાવેશ થાય છે. પોતાની જમીન ટ્રસ્ટને આપી અને એક પ્રેરણાદાયક તથા રાહ ચીંધનારું કાર્ય કર્યું છે. આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ સમગ્ર ગ્રામ પંચાયતને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer