ભુજની સમસ્યાઓ મુદ્દે સુધરાઇના અધિકારી-પદાધિકારીને નોટિસ

ભુજ, તા. 14 : સતત ઊભરાતી ગટર અને તેના પગલે ફેલાતો રોગચાળો, જર્જરિત માર્ગો, રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે આ તમામ બાબતો માટે નગરપાલિકાના અધિકારી-પદાધિકારી સામે જાગૃત નાગરિકો દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામવા મન બનાવાયું છે અને જવાબદારોને વકીલ મારફતે નોટિસ ફટકારાઇ હતી. જાગૃત નાગરિકો દ્વારા ભુજ સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાતને એડવોકેટ એ.જે. ઠક્કર તથા એસ.એસ. ચાકી મારફતે પાઠવાયેલી નોટિસમાં જણાવાયા મુજબ ભુજ નગરપાલિકાનું વહીવટ તદ્દન નિષ્ફળ ગયું છે. શહેરને સ્વચ્છ અને નિરોગી રાખવાની જવાબદારી નગરપાલિકાની છે પણ શહેરમાં અનેક વિસ્તારોમાં ઊભરાતી ગટર, જર્જરિત માર્ગો તથા રસ્તામાં પડેલા ખાડામાં વરસાદી પાણીનો ભરાવો, ટ્રાફિકને અવરોધ સાથે લોકોને નુકસાન પહોંચાડતા રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે. તાજેતરમાં જ રખડતા ઢોરની અડફેટે એક વ્યકિતનું મૃત્યુ થયું અને અગાઉ પણ આવા બનાવો નોંધાયા છે ત્યારે અંતે બે જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના જવાબદારો સામે બેદરકારી દાખવવા બદલ કાયદાનો સહારો લઇ નોટિસ પાઠવી બે દિવસમાં ખુલાસો મગાયો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer