જમીનમાં પાણીનો કેવી રીતે સંગ્રહ થાય તેની માહિતી અપાઈ

કુકમા, તા. 14 : અહીં ખેડૂત માટે રાત્રિ બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગામના સરપંચ કંકુબેન વણકરે ત્રણ-ચાર મહિનાથી કુકમા ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ જળ સર્વે કરવા અંગેની પ્રાથમિક માહિતી આપી હતી. ઉપરાંત પંચાયત વિસ્તારના પિયત-બિનપિયત જમીનમાં ભૂગર્ભ જળની પરિસ્થિતિની ચકાસણી, પાણીની ગુણવત્તા તેમજ જમીનમાં કેવી રીતે પાણીનો સંગ્રહ કરી શકાય તે બાબતે એસીટી સંસ્થા તેમજ અભિયાન સંસ્થાના સહયોગથી માહિતી એકઠી કરવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. ગામના જ પાર્થભાઈ, નિશીતાબેન, હેમાબેન તેમજ ભૂમિબેનને તાલીમ આપવામાં આવી હતી. માંડવી અને મુંદરા તાલુકાના જુદા-જુદા વિસ્તારોની માહિતી એકઠી કરી પાણીની જાળવણી તેમજ તેનો કેવી રીતે સંગ્રહ કરી શકાય તે બાબતે પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રયોગોને આધારે કુકમા ગામ વિસ્તારના ખેડૂતોને પાણીના ખાલી પડેલા બોરને રિચાર્જ કરવાની રીત અને તેના દ્વારા પાણીના સ્તરને ઊંચું લાવવા બાબતે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગામનાં વીસીઈ સાંગણભાઈ દ્વારા ગામના ખેડૂતોની પ્રાથમિક માહિતી તેમજ સરકારી યોજનાઓનાઓ વિષે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. ગ્રામ સેવક હિતેશભાઈએ જણાવ્યું હતું કે 24 ગામડાઓ વચ્ચે 1 જ ગ્રામ સેવક તરીકે તેઓ ફરજ બજાવે છે તેમ છતાં ખેડૂતોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેવા સમયે તેમના દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવશે. અભિયાન સેતુ સંસ્થામાંથી આવેલા ભાવેશભાઈ દ્વારા ખેડૂતોને લગતા પ્રશ્નોને લગતી સૂચી તૈયાર કરી હતી. ટી.ડી.ઓ. શૈલેશભાઈએ પાણી નિવારણને લગતા કામોની અમલવારી સારી રીતે થાય તેની ખાતરી આપી હતી. સભ્ય દક્ષાબેન, દેવરાજભાઈ, ગ્રામ પંચાયત તલાટી એસીટી સંસ્થામાંથી મનિષાબેન, જયંતીભાઈ, ગિરીશભાઈ, ગૌરવભાઈ તેમજ કિશોરભાઈ, કુકમા ગામના ખેડૂત મંડળીના પ્રમુખ રમેશભાઈ વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer