ગળપાદર અને ભચાઉમાં હુમલાના બનાવ : સાત ઘાયલ

ગાંધીધામ, તા. 14 : તાલુકાના ગળપાદર ગામના ઈદગોર પાસે પાંચ શખ્સે છરી, ધોકા વડે હુમલો કરતાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી તેમજ ભચાઉના સીતારામપુરામાં ચાર શખ્સે તલવાર, તાવીથા વડે હુમલો કરતાં ચાર લોકો ઘવાયા હતા.ગળપાદરના ઈદગોર પાસે આજે બપોરે મારામારીનો બનાવ બન્યો હતો. બનાવના ફરિયાદી શંભુ કાના બોખિલને ગામના જ નવીન ધના વીરડા, બાબુ મ્યાજર વીરડા, પ્રવીણ મ્યાજર વીરડા, કરણ બાબુ વીરડા અને ભાવેશ ધના વીરડાએ રોકાવ્યો હતો અને સતી ચોકમાં તારો સાળો મયૂર બચી ગયો નહીં તો પૂરો કરી દેત તથા તારા સાળાને ચડાવી અને લક્ષ્મીબેને જે ફરિયાદ કરી છે તેમાં મારું નામ છે તેમ કહી આ શખ્સોએ છરી, છુટ્ટા પથ્થર, ધોકા વડે હુમલો કરતાં આ ફરિયાદી સાથે બાબુ ખેંગાર, કાનાભાઈ બોખિલને ઈજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બીજી બાજુ ભચાઉના સીતારામપુરા વિસ્તારમાં મારામારીનો બીજો બનાવ બન્યો હતો. આશિષવન દેવવન ગુંસાઈ (બાવાજી)ના ઘરે પ્રવીણ દિનેશ મીરાણી (ઠક્કર), વિશાલ પ્રવીણ ઠક્કર, દિનેશ મીરાણી (ઠક્કર) અને અજાણ્યો શખ્સ એમ ચાર શખ્સો ઘૂસ્યા હતા. તે રસ્તામાં ગાડીની લાઈટ આંખોમાં કેમ નાખી તેમ કહી આ શખ્સોએ તલવાર, તાવીથો, ધારિયા વડે હુમલો કરતાં ફરિયાદીની સાથે તેના પિતા દેવવન, માતા રાધાબેન તથા પાડોશી એવા જ્યોતિબેન હરિ ઠક્કરને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પણ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer