પૂર્વ પછી હવે પશ્ચિમ કચ્છ એલ.સી.બી.નો ક્રોસ દરોડો

ગાંધીધામ, તા.14 : પૂર્વ કચ્છ એલ.સી.બી.એ થોડા સમય પહેલાં મુંદરા તાલુકા વિસ્તારમાં દરોડો પાડી દારૂના ત્રણેક કેસ કર્યા હતા, તો હવે ગાંધીધામમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ છાપો મારીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. શહેરની જૂની આરટીઓ બિલ્ડિંગ પાછળ આવેલા અરવિંદ ધારશી દેવીપૂજક નામના શખ્સના ઘરે પશ્ચિમ કચ્છ એલસીબીએ છાપો માર્યો હતો. આ શખ્સના કબજાની ઓરડીમાંથી  325 લિટર દેશી દારૂ કિંમત રૂા.6500નો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન 4 મોબાઈલ પણ હસ્તગત કરાયા હતા. એલસીબીએ સુરેશ લક્ષ્મણ દેવીપૂજક, અલ્તાફ રિયાઝ હુશેન મિયાણા, મેહુલ અમુજી ઠાકોર, વિક્રમ રાજુ દેવીપૂજક, કિશન બચુ દેવીપૂજક અને દિનેશ રાયા દેવીપૂજક નામના શખ્સોની ધરપકડ કરી હતી.જ્યારે ઓરડીનો કબજેદાર તથા દારૂ આપનાર એવો અરવિંદ ધારશી દેવીપૂજક હાજર ન હોવાથી પોલીસના સકંજામાં આવ્યો ન હતો. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના આવા ક્રોસ દરોડાના પગલે બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. તો આ પગલાંથી આવી બદી ઉપર લગામ આવશે તેવું લોકો જણાવી રહ્યા છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer