પાક વીમો ભરનારા ખેડૂતોના નુકસાનના સ્થળ સર્વે કરાવવા અગ્રણીની માંગ

વાડાપદ્ધર (તા. અબડાસા), તા. 10 : પાક વીમો ભર્યો હોય તેવા અબડાસા તાલુકાના ખેડૂતોને નુકસાનીના દાવા તથા સૂચના ફોર્મ 72 કલાકમાં જમા કરવા તા. 1/10ના તાકીદ કરાઇ પણ હજુ થોડા ઘણા જ ફોર્મ જમા થયા છે. ઉપરાંત સ્થળ ઉપર સર્વે કરાય તો ખરેખર નુકસાની જાણી શકાય તેવી માંગ અગ્રણીએ કરી હતી. અબડાસા વિસ્તારમાં મર્યાદિત સરકારી બેંકો છે, વિસ્તાર મોટો છે. ખેડૂતોને દૈનિક પેપર વાંચનનો સમય ન હોય અને અભણ ખેડૂતોના પ્રીમિયમ?રૂપે રૂપિયા એપ્રિલથી જુલાઇ-2019ની વચ્ચે બેંકોએ કાપી લીધા છે ત્યારે ખેડૂતોને જાણ કરી નથી અને પાક વીમાના પ્રીમિયમના સર્ટિફિકેટ પણ અપાયા નથી. વાડાપદ્ધરના કિસાન અગ્રણી અરવિંદભાઇ?શાહે જણાવ્યું કે, દેના બેંક, કોઠારા બ્રાંચમાં તા. 3/10ના બપોરે એગ્રીકલ્ચર ઓફિસરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, તા. 4/10થી સર્ટિફિકેટ ઇસ્યુ કરશું, તો 72 કલાકનો પ્રશ્ન જ ક્યાં છે ? દાવાના ફોર્મ તથા જરૂરી કાગળો સાથે નવીનભાઇ?હડિયલ-નલિયાને જમા કરવાની સૂચના મુજબ થોડા ફોર્મ જમા થયા અને ઘણા જ બાકી છે. વાડાપદ્ધર ગામે કપાસનો સો ટકા પાક છે અને બધું નુકસાન થયું છે. ઘણા ખેડૂતોને 80થી 100 ટકાની વચ્ચે નુકસાન થયું છે. તેથી સ્થળ ઉપર સર્વે ઇન્સ્યુરન્સની કંપનીના પ્રતિનિધિ, ગ્રામસેવક, તલાટી અને ગામના પંચો રૂબરૂ થવું જોઇએ જેથી ખરેખર નુકસાન થયું છે તેને જ વળતર યોગ્ય રીતે મળે તેવું વાડાપદ્ધર ગામના કિસાન અગ્રણી શ્રી શાહે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer