ભુજ નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ કોમ્પલેકસની રજતજયંતીની ઉજવણીનું આયોજન

ભુજ, તા. 14: નાગર જ્ઞાતિના શુભ તથા સામાજિક પ્રસંગોની ઉજવણી માટે ગુજરાતમાં જ્ઞાતિની સૌપ્રથમ અદ્યતન લગ્નવાડી હાટકેશ કોમ્પલેકસનું નિર્માણ વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા 1994માં કરાયું, તેની રજત જયંતીની ઉજવણી જ્ઞાતિ દ્વારા ધામધૂમથી કરવાનું જ્ઞાતિ પ્રમુખ અતુલ મહેતાના અધ્યક્ષ સ્થાને મળેલી એક બેઠકમાં નકકી કરવામાં આવ્યું હતું. આ ઉજવણી આગામી ર9 થી 31 મી ઓકટોબર દરમ્યાન કરવામાં આવશે. આ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર કચ્છના નાગર-નાગર બ્રાહ્મણ તથા સમસ્ત નાગરજ્ઞાતિજનો ઉત્સાહભેર  જોડાશે.  ત્રણ દિવસના ભરચક કાર્યક્રમોની વિગત આપતાં જ્ઞાતિના મંત્રી ડો. ઉર્મિલ હાથી ની યાદીમાં જણાવ્યા મુજબ તા. ર9મીના સાંજે રજત જયંતી મહોત્સવની ઉજવણીના આરંભે જ્ઞાતિજનોની એક સાયકલ રેલીનું આયોજન  કરવામાં આવ્યું છે. આ રેલી હાટકેશ મંદિરથી આરંભ થઈ હાટકેશ કોમ્પલેકસમાં સમાપન થશે એ પછી રજત  જયંતી સમારોહનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારંભમાં જ્ઞાતિનું નૂતન વર્ષ સ્નેહમિલન, હાટકેશ  કોમ્પલેકસના નિર્માણ સમયના હોદ્દેદારોનું સન્માન, જ્ઞાતિના દાતાઓનું સન્માન તથા જ્ઞાતિજનો માટે મ્યૂઝિકલ  હાઉઝીનું આયોજન કરવામાં આવ્યું છે.  તા.30મીના બપોરના જ્ઞાતિજનો માટે રંગોળી સ્પર્ધા, વિસરાતી જતી પારંપરિક વાનગી સ્પર્ધા, રકતદાન કેમ્પનું આયોજન કરાશે જ્યારે એ જ દિવસે રાત્રિના જ્ઞાતિ કલાકારો દ્વારા નૃત્ય નાટિકા તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. 31મીના સવારે જ્ઞાતિજનોની વિશાળ શોભાયાત્રાનો આરંભ હાટકેશ મંદિરેથી સવારના 8 વાગ્યે થશે, જે નગરના રાજમાર્ગો પરથી હાટકેશ કોમ્પલેકસમાં વિરામ પામશે. એ બાદ હાટકેશ કોમ્પલેકસ ખાતે લઘુરૂદ્ર હવન યોજાશે. લઘુરૂદ્વમાં મુખ્ય યજમાન તથા યજમાન તરીકે ભાગ લેવા ઈચ્છુકોએ હાટકેશ મંદિરમાં સંપર્ક કરવાનો રહેશે.  આ પ્રસંગે બપોરના જ્ઞાતિ સમૂહભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે. હવન બાદ બપોરના જ્ઞાતિજનો માટે મહેંદી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાશે. રાત્રિના જ્ઞાતિના કલાકારો દ્વારા એકાંકી, રાસ ગરબા સહિતના સાંસ્કૃતિક  કાર્યક્રમોના આયોજનની સાથે રજતજયંતી સમારોહનું સમાપન કરવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer