ગાંધીધામની લેન્ડ પોલિસી અંગે નવી દિલ્હીમાં બેઠકોનો ભારે ધમધમાટ

ગાંધીધામ, તા.; 14 : વર્ષોથી ગાંધીધામ સંકુલની જમીનો માટે અલગ લેન્ડ પોલિસી નક્કી નહીં થતી હોવાથી વખતોવખત આ અંગે રજૂઆત થતી રહી છે. છેલ્લે ગત ડિસેમ્બરમાં વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના વડપણ તળે થયેલી જનઆક્રોશ મહારેલી સમયે પણ જે પાંચ માગણી મુકાઈ હતી તેમાં આ જમીનનીતિનો ઉલ્લેખ હતો. છેલ્લા ચારેક દિવસથી નવી દિલ્હીમાં લેન્ડ પોલિસી અંગે બેઠકોનો ધમધમાટ જારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ચેમ્બરે કરેલા આંદોલન બાદ પહેલાં મોરગેજ ફી અને પછી ટ્રાન્સફર ફીનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો હતો. અલબત્ત ટ્રાન્સફર ફી ઘટાડાની જાહેરાત હજુ માત્ર જાહેરાત રહી છે, તેનાં અમલીકરણ અંગે કોઈ ચોક્કસ ફોડ પડયો નથી. નવી દિલ્હીમાં યોજાતી બેઠકમાં ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતા તથા અન્ય અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ ત્યાં પણ ટ્રાન્સફર ફી મુદ્દે કોઈ ચર્ચા ન થતી હોવાનું સૂત્રો જણાવે છે. દરમ્યાન ચાર દિ' પહેલાં મળેલી ડીપીટીની ટ્રસ્ટી બોર્ડ બેઠકમાં ટ્રાન્સફર ફીને લગતો શિપિંગ મંત્રાલયનો પત્ર રજૂ થવાનો હતો, જે અધ્યક્ષની સૂચના છતાં રજૂ થયો નહોતો. દરમ્યાન નવી દિલ્હીમાં ગાંધીધામ સંકુલની લેન્ડ પોલિસી અંગે હાથ ધરાયેલી ચર્ચામાં સંકુલના વિરોધ છતાંય પ્રશાસન મુંબઈ પોર્ટની જમીનનીતિને જ આધાર ગણવા મક્કમ રહ્યું હોવાનું સૂત્રો કહે છે. ટૂંકમાં ગાંધીધામની જનઆક્રોશ મહારેલી બાદ પણ હજુ પ્રશાસન જોઈએ તેવું ઢીલું ન થયું હોવાનું સમજાય છે. જો જમીનનીતિ યોગ્ય નહીં હોય તો અટકી પડેલો સંકુલનો વિકાસ વધુ રૂંધાશે તેવું જાણકારો કહી રહ્યા છે. ગાંધીધામ સંકુલે હજુ ફરી આંદોલન કરવું પડશે તેવી ભીતિ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer