અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિની નિશ્રામાં મુંબઇમાં થતી વિક્રમી સાધના

ભુજ, તા. 14 : લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય કચ્છ ભોરારાવાળા ભાવચન્દ્રજી સ્વામીની નિશ્રામાં વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-કાંદીવલી (વે.) મુંબઇમાં ચાતુર્માસ દરમ્યાન વિક્રમી સાધના આરાધના થઇ રહી છે. 264 જેટલા તપસ્વીઓ અઠાઇથી માંડી 50 ઉપવાસ સુધીની ઉગ્ર તપશ્ચર્યામાં જોડાયા છે. 50 ઉપવાસ સાથે ભાનુમતી દેઢિયા અગ્રીમ છે. જ્યારે 4 વ્યકિતઓ માસખમણ તથા તે ઉપરની તપશ્વર્યામાં છે. મહાસતીજી ઓમકારશ્રીજી સહિત 34 આરાધકો સિદ્ધિ તપમાં જોડાયા છે. 175 જેટલા ભાવિકો અઠાઇ કે તે ઉપરની તપશ્ચર્યા કરી છે. સંઘમાં આ વર્ષની તપશ્ચર્યા રેકર્ડરૂપ છે. શાસનધ્રાક અજરામરજી સ્વામીના 205મા ચરમોત્સવ પ્રસંગે 287 જેટલા ભાવિકોએ અઠમ તપની આરાધના કરી કીર્તિમાન સ્થાપ્યો છે. 8 દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું છે. સામૂહિક નવ લાખ નવકારમંત્ર જાપ, પ્રભુ પાર્શ્વનાથ તથા ગુરુ ગૌતમ સ્વામીના જાપ, ઘર ઘર ગુંજે `નવકાર કળશ' દ્વારા આત્મશુદ્ધિ આરાધનામાં સેંકડો ભાવિકો જોડાયા છે. જન્માષ્ટમી દિને 18000 વંદના સાથે `કૃષ્ણ ભક્તિનો કાર્યક્રમ તથા `સંયમ એક અહેસાસ'નો વૈરાગ્યસભર કાર્યક્રમ યોજાયો હતો. નારી, યુવા બાળ શિબિરો દ્વારા જ્ઞાન પ્રાપ્તિની વિશિષ્ઠ પ્રવૃતિ પણ ચાલતી હોવાનું ભુજ ખાતેના સંપ્રદાયના પ્રતિનિધિ જગદીશ અ. મહેતાની યાદીમાં જણાવાયું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer