યુ-ટયુબ ચેનલ પર જોઇ શકાશે કચ્છી કાર્યક્રમો

યુ-ટયુબ ચેનલ પર જોઇ શકાશે કચ્છી કાર્યક્રમો
ભુજ, તા. 13 : હવેથી સાહિત્ય અકાદમીની યુ-ટયૂબ ચેનલ પર કચ્છી ભાષાના કાર્યક્રમો જોઇ શકાશે તેવી ઘોષણા આજે સાંજે અહીં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર અર્પણના સમારોહ પ્રસંગે કરાઇ હતી. રેટરી હોલમાં યોજિત આ સમારોહના અધ્યક્ષસ્થાનેથી જાણીતા ભાષાશાત્રી અને લોક કલાવિદ ડો. શાંતિભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે, સાહિત્ય રસિકોની ઊર્જા જ શ્રેષ્ઠ સર્જકોની જનની છે. કચ્છી ભાષા પ્રત્યે ઊંડો પ્રેમ હોવાનું કહેતાં ભાવુક બનેલા ડો. આચાર્યએ કહ્યું હતું કે, કચ્છીમાં સંશોધન માટે હજુ ઘણું કરવું  બાકી છે. સાહિત્યકારો, સર્જકો, કેળવણીકારોની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ રાજ્યના રમત ગમત, યુવક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં માર્ગદર્શન તળે કચ્છી  સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2013 માટે પ્રભાશંકર ફડકે `રવિમાલમ' અને વર્ષ 2018 માટે ડો. કાંતિ ગોર `કારણ'ને કચ્છી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.પ્રભાશંકર ફડકે એક એવા ઋષિતુલ્ય સર્જક છે, જે સરળતાથી મળવા મુશ્કેલ છે, સર્જન, વિવેચન, અનુવાદ, પ્રબંધન જેવી વિવિધ કલાઓમાં કૌશલ્ય ધરાવતા ફડકેજી સાહિત્ય પ્રેમીઓનાં કાળજાંમાં કોતરાઇ જાય, તેવું વ્યક્તિત્ત્વ છે, તેવું ગૌરવ પુરસ્કારથી સન્માનિત પીઢ સર્જકનો પરિચય આપતાં જાણીતા સર્જક જયંતી જોશી `શબાબે' જણાવ્યું હતું. બંધારણના નિયમોને અંતિમરૂપ આપનાર સમિતિમાં સ્થાન પામેલા પ્રભાશંકર ફડકેનું સન્માન એ કચ્છી સાહિત્ય અકાદમીના પાયાના પથ્થરનું સન્માન છે, તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છીમાં અનુવાદ કરાયેલા ગ્રંથોમાં ફડકેજીની જ્ઞાનેશ્વરી ગીતા સર્વશ્રેષ્ઠ છે અને મરાઠીમાંથી કચ્છીમાં આપેલું આ પ્રથમ સાહિત્ય છે, તેવું જયંતીભાઇએ કહ્યું હતું. અભ્યાસુ અને વિદ્વાન સાહિત્યકાર ડો. કાંતિ ગોર `કારણ'ના કલમ કર્મનો પરિચય આપતાં કચ્છી સાહિત્યના સમર્થ સર્જક રવિ પેથાણી `િતમિરે' કહ્યું હતું કે, નાટકોનાં માધ્યમથી કાંતિભાઇએ કચ્છીને રાષ્ટ્રીયસ્તરે પહોંચાડવાનું કામ કર્યું છે.કચ્છી ભાષા માટે આંખે ઉજાગરા આંજે છે. સાહિત્ય અકાદમીનાં `િચંગાર'નું કામ સંભાળીને પણ કાંતિભાઇ કચ્છીની સુંદર સેવા કરી રહ્યા છે. ગુજરાતી ભાષામાં લખતી વખતે  પણ તેમણે કચ્છ, કચ્છી ભાષાના વિષયો કેન્દ્રમાં રાખ્યા છે. ગૌરવ પુરસ્કારને પાત્ર થવા માટે પ્રભાશંકર ફડકેની જ્ઞાનેશ્વરી ગીતા એકલી જ પૂરતી છે, તો ડો. કાંતિ ગોરની સરહદે તૈનાત સૈનિકોને કચ્છી ભાષા શીખવવાની પ્રેરક પહેલ જ પૂરતી છે, તેવું કચ્છી સાહિત્યના અભ્યાસુ વિદ્વાન નારાયણ જોશી 'કારાયલે' જણાવ્યું હતું. કચ્છી ભાષાનાં સંવર્ધનમાં કચ્છમિત્ર અને આકાશવાણીનું નોંધપાત્ર પ્રદાન છે. કચ્છી સર્જકોને પીઠબળ આપવા બદલ તેમણે સાહિત્ય અકાદમીનો આભાર માન્યો હતો. પહેલાં પાંચ ધોરણમાં કચ્છી  ભાષા વિષય તરીકે ભણાવાય, તેવા પ્રયાસો કરવાની કચ્છના નિષ્ણાતો, અભ્યાસુઓને તેમણે અપીલ કરી હતી. આ અવસરે પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ, સ્વ. કવિતા (મીરાં) સચદે મેમોરિયલ ટ્રસ્ટ, કચ્છી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, તેમજ કચ્છ ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાઓ વતી શંકરભાઇ સચદેએ બન્ને ગૌરવ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કર્યું હતું. પ્રસંગ દરમ્યાન, ડો. કાંતિ ગોર `કારણ' લિખિત પુસ્તક `હકલ કરે હિંયારી' વિમોચિત કરાયું હતું. આરંભમાં સ્વાગત પ્રવચન કરતાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણે કચ્છી ભાષા, સાહિત્ય માટે કામગીરીનાં આયોજનની વિગતો આપતાં જે-તે ભાષા માટે તે ભાષાના પ્રદેશમાં જઇને કાર્યક્રમો યોજવાની પરંપરા શરૂ કરી છે, તેવું જણાવ્યું હતું. કચ્છ જેટલા જ કચ્છીઓ જ્યાં વસે છે, તે મુંબઇમાં પણ કચ્છી ભાષાના કાર્યક્રમો યોજવાના નિર્ધાર સાથે તેમણે કહ્યું હતું કે, ગુજરાતી કવિ સંમેલનોમાં કચ્છી સર્જકોને પણ જોડીને આયોજન કરાશે. ગત વર્ષે 42 લાખ રૂપિયાનાં પુસ્તકો વાંચન પ્રેમીઓ સુધી પહોંચાડયા, ગત વર્ષે 55 પુસ્તકો પ્રગટ કર્યા, આ વરસે 100થી વધુ પુસ્તકો પ્રકાશિત કરાશે, તેવું તેમણે ઉમેર્યું હતું. અકાદમીની યુ-ટયૂબ ચેનલ પરથી કચ્છી ભાષાના કાર્યક્રમો હવે જોઇ શકાશે. હવેથી જીવંત પ્રસારણ કરાય, તેવો પ્રયાસ પણ કરાશે. દિલ્હી સાહિત્ય અકાદમીની ભાષામાં કચ્છીને પણ સ્થાન અપાવવા સહિયારા પ્રયાસોની અપીલ તેમણે કરી હતી. સંચાલન સ્નેહલ વૈદ્ય અને ગૌતમભાઇ જોશીએ આભારવિધિ કરી હતી. ગોરધન પટેલ `કવિભાઇ' આયોજનમાં સહયોગી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer