ભુજમાં જનરલ હોસ્પિટલ સામે જૂના ઝાડને કપાતાં રોષ

ભુજમાં જનરલ હોસ્પિટલ સામે જૂના ઝાડને કપાતાં રોષ
ભુજ, તા. 13 : એક તરફ વૃક્ષારોપણ સાથે જાગૃતિ ફેલાવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આજે જી.કે. જનરલ હોસ્પિટલ સામેના ભાગે એક જૂના વૃક્ષને કાપવાના બનાવે ચર્ચા જગાવી હતી. અલબત્ત, જાગૃત નાગરિકો સમયસર પહોંચી જતાં કામ અટકી ગયું હતું.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જી.કે. જનરલ હોસ્પિટલ ગેટની સામેની તરફ અમુક લોકો દ્વારા જૂના ઝાડને કાપી તેના લાકડા એકઠા કરવાની કામગીરી કરાતી નજરે પડતાં રોષની લાગણી ફેલાઇ હતી. આ દૃશ્ય નિહાળી અમુક જાગૃત નાગરિકો સ્થળ પર જઇ ઝાડ શા માટે   કપાય છે તથા તે માટે મંજૂરી લેવાઇ છે કે, કેમ તે અંગે પૃચ્છા કરતાં કપાયેલા ઝાડને મૂકીને કાપનારા ચાલ્યા ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા તાજેતરમાં વૃક્ષ વાવો અભિયાનનો જોરશોરથી પ્રચાર કરાયો હતો અને આ બાબતે સમયાંતરે વૃક્ષારોપણ કાર્યક્રમો પણ થતા રહે છે ત્યારે આજની ઘટનાને પગલે રોષની લાગણી ફેલાઇ હતી. આ બાબતની યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે પગલાં ભરાય તેવી જાગૃત શહેરીજનોએ માંગ ઊઠાવી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer