દુનિયાના ત્રીજા ક્રમના ડેન્માર્ક જેટલું હેપ્પી છે ભુજ

દુનિયાના ત્રીજા ક્રમના ડેન્માર્ક જેટલું  હેપ્પી છે ભુજ
દિવ્યેશ વૈદ્ય દ્વારા-  ભુજ, તા. 13 : વિશ્વ હેપીનેસ રિપોર્ટ (ડબલ્યૂએચઆર)ના વર્ષ 2019ના જાહેર થયેલા હેવાલમાં 156 દેશોમાંથી ભારતનો ક્રમ 140મો હતો. એટલે કે કયા દેશના લોકો કેટલા ખુશ છે તેના ક્રમમાં ભારત ઘણું બધું પાછળ છે પરંતુ વિશ્વમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે એવા ડેન્માર્કવાસીઓ જેટલા ખુશખુશાલ રીતે જીવન વિતાવે છે ભુજવાસીઓ. આ બહુ જ આનંદદાયક તારણ કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ તેમના `પ્રોજેક્ટ હેપીનેસ' અંતર્ગત શોધી લાવ્યા છે. 2019ના છેલ્લા હેવાલ મુજબ હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ 7.63 આંક સાથે સૌથી ખુશ દેશ જાહેર થયો હતો. એ પછી નોર્વે 7.59 આંક સાથે બીજા અને ડેન્માર્ક 7.55 ગુણ સાથે ત્રીજા ક્રમે સ્થાન પામ્યો હતો. આ હેવાલ ગેલપ વર્લ્ડ નામની સંસ્થાએ તૈયાર કર્યો હતો અને તેમાં દરેક દેશોને દસમાંથી ગુણ આપવામાં આવ્યા હતા. ભારત આ હેવાલમાં 4.015 આંક સાથે 140માં સ્થાને હતું. એ જ પદ્ધતિ અને પરિબળ પર જ આધાર રાખીને કચ્છ યુનિ.ના માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના 34 વિદ્યાર્થીએ 3 મહિનાના પુરુષાર્થથી અલગ અલગ પરિબળ આધારિત સંશોધન કરતાં ભુજ માટે સુખદ તારણ બહાર આવ્યા હતા. જેમાં ભુજનો ઇન્ડેક્સ ડેન્માર્ક જેટલો 7.55 આવ્યો હતો. જેમના માર્ગદર્શનમાં આ સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરાયો એ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કનિષ્ક શાહે આ વિચાર કેમ આવ્યો તેના સવાલ પર જણાવ્યું કે, `ભુજવાસીઓ તેમના ઉત્સવ, આનંદ, ઉજવણીઓ અને મીઠા સ્વભાવ માટે જાણીતા છે. આપણે એવું પણ સાંભળ્યું છે કે, અહીં બદલી આવેલા અધિકારીઓ જ્યારે ફરી બદલીને જાય છે ત્યારે દુ:ખી થઇને યાદો સમેટીને જાય છે. શું ખરેખર ભુજવાસીઓ આનંદિત જીવન વિતાવી રહ્યા છે ?' `આ સાબિત કરવાનો જમાનો છે. જે વસ્તુ મપાય છે એ જ મહત્ત્વની છે અને જેને માપી કે પુરવાર કરી શકો તેને જ મેનેજ કરી શકો.' આવા વિચાર પરથી મેનેજમેન્ટના અંતિમ વર્ષમાં અભ્યાસ કરનારા છાત્રોને અલગ અલગ વિષયના નાના પ્રોજેક્ટને બદલે એક મોટો અને તમામ છાત્રોને આવરી લેતો પ્રોજેક્ટ સોંપ્યો હતો. કેટલો સમય લાગ્યો અને તારણો વિશે પૂછતાં ડો. શાહે કહ્યું કે, વ્યક્તિ તેના જીવનમાં કેટલો ખુશ છે, તેનું તારણ કાઢવા ત્રણ મોટા અને ચાર નાના પ્રોજેક્ટ એમ કુલ 7 પ્રોજેક્ટમાં શહેરના ગરીબ, તવંગર અને બધા જ વિસ્તારોને આવરી લઇને છાત્રોને 3 મહિના દરમ્યાન 2700થી વધુ લોકો સમક્ષ 6થી 10 પ્રશ્નોવાળી પ્રશ્નાવલિઓ રજૂ કરી હતી. જેમાં કુલ મળીને 35000થી વધુ પ્રશ્નોના જવાબ મેળવાયા હતા. જેને બાદમાં ડિજિટલી કોમ્પ્યુટર સોફટવેરમાં ફીડ કરતાં આ તારણ બહાર આવ્યા હતા. જે ખરેખર ભુજ વિશેની `છાપ'ને  પુરવાર કરે છે અને રસપ્રદ છે. ખુશ રહેવા માટે કયા પરિબળો અસરકારક રહ્યા ? એ વિશેની વાત કરતા તેમણે કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિ લોકોને ખુશ રાખી શકે એમ સૌથી વધુ લોકોએ માન્યું. 8.45 ભાવાંક સાથે આ પરિબળ સૌથી ઉપર રહ્યું, જ્યારે સૌથી વધુ લોકોને નાખુશ કરતા પરિબળ તરીકે ભ્રષ્ટાચાર ઊભરી આવ્યો. જિંદગીમાં આનંદ માટે અમીર હોવું જરૂરી છે ? ખરેખર નથી, પણ આ સંશોધનમાં પણ વૈજ્ઞાનિક રીતે આ વાત પુરવાર થઈને આવી. જેમણે જીવનથી ખુશ હોવાનું કહ્યું એ માત્ર શ્રીમંત વર્ગ નહોતો પોતાની આવકથી રાજી હોય એવા ગરીબીરેખા ઉપરના લોકોનો ભાવાંક 7.63 આવ્યો, જ્યારે ગરીબી રેખાની નીચેના પણ આવકથી ખુશ હોય તેનો ભાવાંક પણ લગભગ એની આસપાસ 7.42 રહ્યો. ખુશ લોકોમાં પુરુષ કરતા મહિલાઓ તેના જીવનથી વધુ ખુશ હોવાનું તારણ આવ્યું. પુરુષનો આંક 7.42 અને મહિલાનો 7.72 આવ્યો. ક્યું ભુજ વધુ સારું? જુનું કે વર્તમાન કે ભવિષ્યનું તેવા સવાલ પર 44 ટકા લોકોએ વર્તમાન ભુજને સારું ગણાવ્યું. આ સંશોધન પ્રોજેક્ટમાં એક સવાલ એવો હતો કે ખુશ રહેવા માટેની તમારી અંતિમ સલાહ શું હશે? એમ કહેતા આ રસપ્રદ તારણ વિશે વાત કરતા મૂળ ભુજના આ પ્રાધ્યાપકે કહ્યું કે, 36 ટકા લોકાએઁ જેનાથી તમને ખુશી મળે એ કાર્ય કરો, 32 ટકાએ હકારાત્મક રહેવાની તો 29 ટકાએ પરિવાર સાથે સમય ગાળવાથી ખુશી મળતી હોવાની વાત કરી. 17 ટકા લોકોએ કહ્યું અન્યના જીવનમાં રસ ન લ્યો એ ખુશી છે. જ્યારે સૌથી મહત્ત્વની વાત 16 ટકા લોકોએ જ કરી કે, જે સ્થિતિ છે તેને સ્વીકારીલો એ પરિબળ જ તમને ખુશ રાખશે. આ પ્રોજેક્ટમાં સહયોગ બદલ ડો. શાહે કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયા, રજિસ્ટ્રાર ડો. એમ. જી. ઠક્કર, ડિપાર્ટમેન્ટના વડા ડો. પી.એસ. હીરાણી અને સાથી પ્રાધ્યાપકોના સહયોગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ખાસ તો વિદ્યાર્થીઓની અનેક પડકાર વચ્ચે ટૂંકાગાળામાં મોટા પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ધગશને બિરદાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer