ભુજમાં પાણી લાઈન મરંમતને એમ.ઈ.એસ.નું વિઘ્ન

ભુજમાં પાણી લાઈન મરંમતને એમ.ઈ.એસ.નું વિઘ્ન
ભુજ, તા. 13 : બે દિવસ પહેલાં ભુજના આરટીઓ સર્કલ નજીક ગુજરાત ગેસ એજન્સી દ્વારા તોડી પડાયેલી પાણીની મુખ્ય લાઈનનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરાયું હતું અને લગભગ આજ રાત્રિ સુધીમાં મરંમત કામ પૂર્ણ થઈ જશે તેવું  સુધરાઈના આધારભૂત સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી સંભવત: આવતીકાલે પાણી વિતરણ કરાશે તેવું ઉમેર્યું હતું. પરંતુ મોડી સાંજે એમ.ઇ.એસ.ના આઠથી દશ જવાનોએ આવી કામગીરી અટકાવી હતી અને આવતીકાલે તેમના વડાની મંજૂરી બાદ કામ કરવા જણાવ્યું હતું. અલબત્ત, આ મુદ્દે સુધરાઇના મુખ્ય અધિકારીએ કલેકટર સહિતનાનો સંપર્ક કરી કામ ચાલુ રહે તેવા પ્રયાસો કર્યા હતા પણ તેમ છતાં તેમાં સફળતા સાંપડી ન હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું, પણ નગરસેવકોએ સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરતાં તેમણે એમ.ઈ.એસ. વડાનો સંપર્ક કરતાં સુધરાઈને લેખિતમાં આપવા જણાવી કામ ચાલુ કરવા દેવા તૈયારી દર્શાવી હતી, જેથી રાત્રે ફરી કામ શરૂ થાય તેવી શક્યતા આ લખાય છે ત્યારે વ્યક્ત થઈ હતી. દિવાળી પર્વ નજીક છે ત્યારે લોકો પાણી વિના મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આવા વિઘ્નોથી રોષ ફેલાયો હતો. આવી સમસ્યાઓ સત્વરે ઉકેલાય તેવી લાગણી શહેરીજનોમાં ફેલાઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer