પાવરપટ્ટીના સીમાડામાં ઈયળનો આતંક

પાવરપટ્ટીના સીમાડામાં ઈયળનો આતંક
બાબુ માતંગ દ્વારા-  નિરોણા (પાવરપટ્ટી) તા. 13 : છેલ્લા ત્રણ-ચાર વર્ષો અછત જેવાં પસાર થયા પછી ચાલુ ચોમાસામાં માગ્યા મેહ મળતાં સમગ્ર પાવરપટ્ટીના સીમાડામાં લીલોછમ રામમોલ નિહાળી લોકો મનોમન સંતોષ માણી રહ્યાં છે, તેવા જ સમયે કુદરતી કહેરરૂપ એરંડા, મગ અને ગુવારના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધતાં લોકોના ચહેરા પર ચિંતાની લકીર તણાઈ છે. ઉપદ્રવને અંકુશમાં લેવા લોકો પીઠ પર દવાના પંપ ગોઠવી રાત-દિવસ દોડધામ આદરી છે. કચ્છના મોટા રણના કાંઠાળ પટ્ટીના પૂર્વે સુમરાસરથી માંડી પશ્ચિમ વેગ-ડાડોર અને છેક ધીણોધર સુધી પથરાયેલા પાવરપટ્ટી પંથકમાં ચાલુ ચોમાસા દરમ્યાન આઠથી બાર ઈંચ જેટલો વરસાદ થયો છે. અષાઢના અંતમાં મેઘરાજાના દસ્કત થતાંની સાથે વાવણી માટે તલપાપડ લોકો વહેલાંમાં વહેલી તકે રામમોલની વાવણી આટોપી હતી. ખાસ કરીને એરંડા, મગ, તલ, ગુવાર તો ક્યાંય જુવારની વાવણી પછી સમયાંતરે વરસતાં સારા  વરસાદને લઈ હાલ પંથકનો સીમાડો ચોમાસું પાકથી ભારે હર્યો ભર્યો બન્યો છે. છેલ્લાં બે-ત્રણ સપ્તાહથી પંથકના રામમોલમાં ઈયળનો ઉપદ્રવ દેખા દીધા પછી લોકો ભારે પરેશાન બન્યા છે. અહીંથી પૂર્વ પાલનપુર, ઝુરા, લોરિયા અને છેક સુમરાસર (શેખ)ના ખેતરોમાં યુવાવસ્થામાં લહેરાતાં એરંડાના પાકમાં કાળી અને ભૂખરા રંગની લશ્કરી ઈયળના આતંકે લોકોની ઊંઘ બગાડી દીધી છે. ઝુરા કેમ્પના યુવા ખેડૂત નોંઘણજી સોઢાના જણાવ્યા મુજબ એરંડાના પાન નીચે છુપાઈ લાંબી-લાંબી કાળા રંગની લશ્કરી ઈયળો પાનને કોરી ખાધા પછી એક-બે દિવસમાં જ્યાં લીલોછમ દેખાતો એરંડાનો પાક ઝાંખરા સ્વરૂપે ફેરવાઈ જતાં ફાલની પ્રક્રિયા પર માઠી અસર પહોંચી છે. વધુમાં તેમનાં કહેવા મુજબ છેલ્લાં ત્રણ-ચાર વર્ષો ખેતી વિહોણાં પસાર થયા પછી ચાલુ સાલે કુદરતે કૃપા વરસાવ્યા પછી સારા ઉત્પાદનની આશ વચ્ચે કુદરતી પ્રકોપરૂપી ઉપદ્રવે ભારે ઉપાધી સર્જી છે. નિરોણાના કાંઠાળ વિસ્તારના ખેતરો ઉપરાંત અહીંથી પશ્ચિમે અમરગઢ, ઓરીરા, બિબ્બર, ખારડિયા, વંગ, ડાડોર સુધીના વિસ્તારમાં આ ઉપદ્રવનો વ્યાપ વધ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ પંથકમાં જતુંનાશક દવાના વિક્રેતા કાનજીભાઈ ભાનેશાલીના જણાવ્યા મુજબ મોટા ભાગે આ પંથકના સમગ્ર વિસ્તારના  સિમાડામાં લશ્કરી અને ઊંટળી ઈયળ ઉપરાંત મગ, તલ અને ગુવારમાં લીલારંગની ઈયળનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોઈ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી આ ઉપદ્રવને નાથવા સાયપરમેથ્રિલ, બુલેટ, બંગ એક્સ જેવી જંતુનાશક દવાનો ભારે ઉપાડ થયો હોવાનું કહ્યું હતું. દરમ્યાન આ ઉપદ્રવને વહેલાંમાં વહેલી તકે કાબુમાં લેવા લોકોએ તનતોડ મહેનત આદરી છે. સમગ્ર પંથકમાં પીઠે દવાનો પંપ બાંધી દવા છાંટવામાં લોકો વ્યસ્ત નજરે ચડે છે તો ક્યાંક ઉપદ્રવનો પ્રમાણ વધુ હોઈ ટ્રેક્ટર ઉપર મોટી ટાંકીઓમાં દવા ભરી મોટા ફુંવારા પંપ દ્વારા દવાનો છંટકાવ કરતાં નજરે ચડે છે. આ વિસ્તારના નિરોણા સેજાના ગ્રામ સેવક અલ્પેશ કાવરનો સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે, નિરોણા આસપાસના વિસ્તારમાં ઈયળના ઉપદ્રવની માહિતી મળ્યાં પછી તેને અંકુશમાં લેવા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જ્યારે ઝુરા વિસ્તારના ગ્રામ સેવક સબ્બીર મન્સુરીના જણાવ્યા મુજબ પંથકમાં સતત વરસાદી માહોલ અને ભેજવાળા હવામાનને લઈ રામમોલમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે જે આવી મોસમમાં જોવા મળે છે, તેને નાથવા યોગ્ય દવાના છંટકાવ અંગે ખેડૂતોને રૂબરૂ કે ફોન દ્વારા જાણ કરવામાં આવેલ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer