સંસ્કૃતિ જાળવવા ઇતિહાસનું મહત્ત્વ સમજો

સંસ્કૃતિ જાળવવા ઇતિહાસનું મહત્ત્વ સમજો
રશ્મિન પંડયા દ્વારા- અંજાર, તા. 13 : દેશ-વિદેશોમાં ભારતના ભવ્ય ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરાતો હોઈ લોકો આજે પણ સાચી માહિતીથી વિમુખ રહે છે. સમાજની નવી પેઢીને ભારતના ભવ્ય ઈતિહાસની સાચી-સારી માહિતી આપવના ઉદેશથી અંજાર શહેરના ધણી અજેપાળ દાદાના મંદિરના પટાંગણમાં અજયપાળદેવ મેમોરિયલ દ્વારા ઈતિહાસ શુદ્ધીકરણ અભિયાન યોજાયું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.વાવના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ચૌહાણ કુળના યોદ્ધાને  બીરદાવી 1000 વર્ષ પછી આ ઈતિહાસ શુદ્ધીકરણના કાર્યક્રમને બીરદાવી જણાવ્યું હતું કે, દરેક સમાજ માટે ધર્મ-સંસ્કૃતિ સાથે ઈતિહાસનું પણ ખૂબ જ મહત્ત્વ છે. ભાવિ પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટે ઈતિહાસ મહત્ત્વનો ભાગ  ભજવે છે સાથે સૌના આદર સન્માન કરવા અને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે અજેપાળદાદા પર પ્રસિદ્ધ થયેલા હિન્દી પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કરી ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું હતું. પુસ્તકના લેખક મહેન્દ્રસિંહ તલવાનાનું સન્માન કરાયું હતું.  આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ઇતિહાસ કોઇપણ સમાજ માટે જીવંત રહે તે જરૂરી અંજાર શહેર રાજપૂત ક્ષત્રિય સમાજના મંત્રી કિશોરસિંહ જાડેજાએ શાબ્દિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને એક નવી ક્રાંતિના ઇતિહાસનો પ્રારંભ ગણાવ્યો હતો. આ અવસરે પૂર્વ કલેક્ટર ડો. બસંતાનંદ સરસ્વતીજીએ  જણાવ્યું કે, લોકો હવે ઇતિહાસની જાણકારી વિશે જાગૃત થયા છે. તે આવનારી નવી પેઢીના વિકાસ માટે જરૂરી છે. કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કચ્છની આ પવિત્ર ધરતી પર અનેક ઇતિહાસો સંગ્રહાયેલા છે. કચ્છ-રાજસ્થાનના સંબંધો 175  વર્ષથી પણ ઘણા જૂના છે. અંજાર શહેરનું સૌ પ્રથમ તોરણ રાવ ખેંગારજીએ બાંધ્યું હતું અને આજે આ શહેરના તમામ જ્ઞાતિ-સમાજના લોકો અજેપાળ દાદામાં શ્રદ્ધા ધરાવે છે, તે પ્રત્યે આનંદ વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટય બાદ માતૃવંદના પૃથ્વીરાજસિંહ ચૌહાણે રજૂ કરી હતી. રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા મનીષાબેને જણાવ્યું હતું કે, ભકિત વગર શકિત મળતી નથી અને નારીશકિતને બિરદાવી હતી. કાર્યક્રમના મુખ્ય આયોજક પૈકીના શકિતસિંહે ઇતિહાસના શુદ્ધીકરણ માટે રાજસ્થાન, અંજાર બાદ અનેક જગ્યાએ આવા કાર્યક્રમ યોજી લોકોને જાગૃત કરવા માટે ખાસ અભિયાન હાથ ધરાશે તેમ કહ્યું હતું. મુખ્ય મહેમાન રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજા ઉપસ્થિત ન રહેતાં તેમના વતી ઇન્દ્રજિતસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી સહયોગની ખાતરી આપી હતી. જોરાવરસિંહજી રાઠોડ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સંત પ્રયાગગિરિજી, મહંત આલાદાદા, ચિરાગપુરી ગોસ્વામી, દિલીપસિંહ ચૌહાણ, ભારાપર આશ્રમના ભરતદાદા ઉપસ્થિત રહ્યા હતા. અંજાર સુધરાઇના પ્રમુખ રાજેશભાઇ પલણ, લોહાણા સમાજના અગ્રણી ગોવિંદભાઇ કોઠારી, મહેન્દ્રભાઇ કોટક, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ બલરામભાઇ જેઠવા, શહેર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દશરથસિંહ જાડેજા, ગોસ્વામી સમાજના પ્રમુખ કેશવપુરી ગોસ્વામી, સુરેશભાઇ સોની, રામજીભાઇ પ્રજાપતિ, વેલજીભાઇ ગામોટ ઉપસ્થિત રહ્યા હતા. રણજિતસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ક્ષત્રિય સમાજ અંજારના અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભોલાભાઇએ તેમજ આભારવિધિ ઇતિહાસ શુદ્ધીકરણના પ્રણેતા કિષ્ના વધનજી શેખાવતે કરી હતી.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer