તોલાણી કોલેજોમાં માળખાકીય કાર્યોનો આરંભ

તોલાણી કોલેજોમાં માળખાકીય કાર્યોનો આરંભ
ગાંધીધામ, તા. 13 : શિક્ષણ નગરી આદિપુરની ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને તોલાણી કોમર્સ કેલેજ ખાતે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમમાંથી માળખાકીય સુવિધાના  વિવિધ કામોનો આજથી આરંભ કરાયો હતો. કોલેજ પરિસરમાં વધુ માળખાકીય સુવિધાઓથી વિદ્યાર્થીઓને વધુ લાભ થશે તેવી લાગણી ખાતમુહૂર્ત વેળાએ વ્યકત કરાઈ હતી. રાષ્ટ્રીય ઉચ્ચતર શૈક્ષણિક અભિયાન(રુસા)  તળે રાજય સરકાર દ્વારા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને તોલાણી કોમર્સ કોલેજને બે-બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.  પ્રારંભમાં તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે અને બાદમાં કોમર્સ કોલેજ ખાતે માળખાકીય સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું. આર્ટસ એન્ડ સાયન્સ કેલેજ ખાતે રૂ.1.07 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ ટુ નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. ત્રણ માળમાં કુલ 6 વર્ગખંડનું નિર્માણ કરાશે. આ ઉપરાંત 40 લાખના ખર્ચે વિજ્ઞાન પ્રવાહની લેબોરેટરી માટે તેમજ કોમ્પ્યુટર લેબ માટે અત્યાધુનિક સાધનો ખરીદવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. તેમજ 60 લાખના ખર્ચે કોલેજની ઈમારતમાં સમારકામ આગામી સમયમાં હાથ ધરાશે. તોલાણી કોમર્સ કોલેજ ખાતે 2 કરોડની ગ્રાન્ટ પૈકી તાજેતરમાં  જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી બનાવાયેલી નવનિર્મિત બિલ્ડિંગની બાજુમાં  ત્રણ માળની નવી ઈમારત બાંધવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનું સારું વાતાવરણ મળી રહે તેવી સુવિધા વિકસાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોરમાં સવારથી રાત્રિ સુધી  ચાલુ રહે તેવી લાયબ્રેરીનું નિર્માણ કરાશે. અનેક વિદ્યાર્થીઓને ઘરમાં અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ નથી મળી શકતું ત્યારે આવા વિદ્યાર્થીઓને વાંચન માટે સરું વાતાવરણ પૂરું પાડવા  12 કલાક ખૂલી રહે તેવી લાયબ્રેરીનું નિર્માણ કરાશે. જેમાં વિદ્યાર્થીઓને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જ્યારે પ્રથમ માળે ગર્લ્સ રીડિંગ રૂમ  રિક્રીએશન રૂમ અને ત્રીજા માળે બોયઝ રીડિંગ રૂમ અને રિક્રીએશન રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત નવા કોમ્પયુટર સહિતના સાધનો અને હયાત બિલ્ડિંગમાં  સમાકરકામ હાથ ધરાશે. ગાંધીધામ કોલેજીએટ બોર્ડના પ્રમુખ અંજના હજારેએ માળખાકીય કામો શરૂ થવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી. જી.સી.બી.ના વહીવટી વડા  પ્રો.વેંકટેશ્વરલુ, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો.સુશીલ ધર્માણી, કોમર્સ કોલેજના આચાર્ય ડો.મનીષ પંડયા, પોલીટેકનિક કોલેજના આચાર્ય પ્રો.જે.કે.રાઠોડ, એચ.કે.ક્રિપલાની, ભૂતપૂર્વ આચાર્ય એલ.આર.મહેતા, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે.પી.મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, રુસાના કન્વીનર દિનેશ કુંડારિયા કેલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer