ગાંધીધામ સંકુલને ડેંગ્યુના કહેરથી બચાવવા ગટર સફાઈ તથા હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ફાળવો

ગાંધીધામ સંકુલને ડેંગ્યુના કહેરથી બચાવવા ગટર સફાઈ તથા હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ફાળવો
આદિપુર, તા.13 : કચ્છમાં પંદર દિવસથી ડેંગ્યુ રોગે મોટા પાયા પર માથું ઉંચક્યું છે, જેનાથી કચ્છની હોસ્પિટલોમાં ડેંગ્યુના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દિવસો-દિવસ પરિસ્થિતિ પણ નિયંત્રણ બહાર થઈ રહી છે અને ડેંગ્યુના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રીને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ગોવિંદ દનીચાએ પત્ર લખી જણાવ્યું છે કે, ગાંધીધામ, આદિપુર વિસ્તારની જ વાત કરીએ તો આ સંકુલનો કોઈ પણ વિસ્તાર એવો નથી, જ્યાં ગટરો ઉભરાતી ન હોય, ઠેર-ઠેર ઉભરાતી ગટરો અને કચરાના ઢગલાઓ  અંગે અવાર-નવાર સામાજિક આગેવાનો તેમજ રહેવાસીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું હોય તેમ જણાય છે, તેવા આક્ષેપ સાથે દનીચાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીધામ સંકુલમાં દરેક વિસ્તારમાં ગાંડા બાવળિયાનાં ઝુંડોનાં કારણે પાણી ભરાઈ રહે છે, જેનાં કારણે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે. તેનાથી ડેંગ્યુનાં રોગચાળામાં પણ ઉછાળો આવ્યો છે. ગાંધીધામની રામબાગ હોસ્પિટલની જ વાત કરીએ હાલમાં ઓપીડીમાં દોઢસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે અને તેઓ પાણીજન્ય રોગોથી પીડાઈ રહ્યાં છે. હોસ્પિટલનાં મહત્તમ બેડમાં ડેંગ્યુના દર્દીઓ સારવાર હેઠળ છે. રામબાગ હોસ્પિટલમાં લાગેલા સીબીસી મશિન પણ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને લેબોરેટરી રીપોર્ટ કઢાવવા બહાર જવું પડે છે. આ લેબ તપાસણીનો ખર્ચ એક હજારથી વધુ થતો હોઈ ગરીબ દર્દીઓ માટે આ ખર્ચ અસહ્ય છે. આ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તેની સામે સ્ટાફની ખૂબ અછત વર્તાઈ રહી છે, તેવું શ્રી દનીચાએ પત્રમાં લખી જણાવી ગાંધીધામ સંકુલના લોકો લાંબા સમયથી ગટર અને સફાઈના કામનાં યોગ્ય અભાવનાં કારણે પીડાઈ રહ્યું છે, તેમાંથી છુટકારો અપાવવા અને રામબાગ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ફાળવવા માંગ કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer