ભુજમાં ઊભરાતી ગટરથી રેડિયો કોલોનીના રહીશોનું શ્વાસ લેવો મુશ્કેલ

ભુજમાં ઊભરાતી ગટરથી રેડિયો કોલોનીના રહીશોનું શ્વાસ લેવો મુશ્કેલ
ભુજ, તા. 13 : શહેરમાં મંગલમ નજીક ફરી ગટર ઊભરાતાં રેડિયો કોલોનીના રહેવાસીઓનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત અહીંથી દૂષિત પાણી હમીરસર સુધી પહોંચશે. જેથી આ સમસ્યા સત્વરે હલ કરાય તેવી માંગ ઊઠી છે. ગટર ઊભરાવાની સમસ્યા ભુજનો કેડો મૂકવા તૈયાર ન હોય તેમ આજે મંગલમ નજીક રેડિયો કોલોની પાસેના હમીરસર સુધી વરસાદી પાણી પહોંચાડતા નાળાંમાં ગટરના પાણી ઊભરાયાં હતાં. જેને પગલે કોલોનીમાં રહેવાસીઓની હાલત કફોડી બની ગઇ હતી. અહીં વારંવાર આ સમસ્યા સર્જાતી હોવા છતાં સુધરાઇ તેનો કાયમી ઉકેલ નથી શોધી શકી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ આ ગટર ઊભરાઇ હતી અને તેના પાણીએ હમીરસરના પાણીને દૂષિત કરવાનું શરૂ કર્યું હતું. જો કે, આ માધ્યમથી ધ્યાન દોરતાં તે સમયે પાણીને ઊભરાતાં અટકાવાયા હતાં પરંતુ ફરી એ જ સમસ્યા માથું ઊંચકી રહી હોવાથી આ માર્ગે પસાર થતા રાહદારી, વાહનચાલકો તેમજ વોક-વે પર સ્વાસ્થ્ય સુધારવા ચાલનારા શહેરીજનોને નાકે રૂમાલ આડો દેવા મજબૂર કરી દીધા છે. સુધરાઇ આ સમસ્યા સત્વરે અને કાયમી ધોરણે ઉકેલે તેવી રેડિયો કોલોનીના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer