વિરાટ સેનાની વિશ્વ વિક્રમી વિજયકૂચ

પૂણે, તા.13 : વિજયકૂચ આગળ ધપાવીને ટીમ ઈન્ડિયાએ અહીં બીજી ટેસ્ટમાં પણ દક્ષિણ આફ્રિકાને એક દાવ અને 137 રને કારમી હાર આપીને શ્રેણી પણ વટભેર કબજે કરી હતી અને ઘરઆંગણે સળંગ 11મી ટેસ્ટ સિરીઝ જીતીને નવો વિશ્વવિક્રમ આલેખ્યો હતો. 2012-13થી ઘર આંગણે અપરાજેય રહેવાનો ગૌરવવંતો સિલસિલો આગળ વધ્યો છે. આજે ચોથા દિવસે કાબેલ ભારતીય બોલરો સામે આફ્રિકાનો બીજો દાવ 189 રનમાં પૂરો થયો હતો. યાદવે 22 રનમાં ત્રણ વિકેટ અને જાડેજાએ 52 રનમાં ત્રણ વિકેટો મેળવી હતી. એક પણ પ્રવાસી બેટધર અર્ધસદી ફટકારી શક્યો નહોતો. એલ્ગરે 48, બવુમાએ 38, ફિલેન્ડરે 37 અને મહારાજે 22 રન કર્યા હતા. ભારતીય બોલરોએ અવ્વલ ગોલંદાજ જસપ્રીત બુમરાહની ખોટ સાલવા દીધી નહોતી. અફ્લાતૂન બેવડી સદી ફટકારનારો વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારતે આજે આફ્રિકાને ફોલોઓન કરાવ્યું હતું. માર્કરમ (0) ફરી શૂન્ય રને આઉટ થયો હતો. બ્રુયા (8) અને ડુપ્લેસી (5), ડિકોક (5) નિષ્ફળ રહ્યા હતા. ત્રીજી ટેસ્ટ 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. ભારતે ઘરઆંગણે સળંગ સૌથી વધુ શ્રેણી વિજયનો ઓસીનો રેકોર્ડ તોડયો હતો. કાંગારુઓએ 1994-95થી 2000-01 અને 2004થી 2008-09 દરમ્યાન બે વાર સળંગ 10 શ્રેણી જીતવાનો વિક્રમ સર્જયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer