સમિતિના સુધાર છતાં બીસીસીઆઇનું સ્વરૂપ જૈસે થે
નવી દિલ્હી, તા. 13 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં સુધારા માટે લોઢા સમિતિ દ્વારા અમુક ભલામણો કરવામાં આવી હતી. આ ભલામણ બોર્ડમાં લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે પોતાની દેખરેખમાં પ્રશાસનિક સમિતિ (સીઓએ)નું ગઠન કર્યું હતું. આ સમિતિની દેખરેખમાં જ નવું સંવિધાન લાગુ થયું હતું અને તેના આધારે બોર્ડના કામકાજની જવાબદારી સંભાળવા માટે નવા ચહેરાઓને કમાન સોંપવામાં આવી હતી. જો કે આ બદલાવ છતાં પણ બોર્ડના કામકાજમાં કોઈ ફરક દેખાઈ રહ્યો નથી. બોર્ડના નવા સંવિધાન અન નિયમો મુજબ દિગ્ગજ ચહેરાઓ બીસીસીઆઈના અધિકારી પદે નથી અને નવા નિયમો મુજબ કૂલિંગ ઓફ પીરિયડ ઉપર હોય છે. છતાં પણ બોર્ડ ઉપર વર્ચસ્વ યથાવત છે. 23 ઓક્ટોબરના રોજ બોર્ડની જનરલ બોડી મીટિંગમાં જે કોઈ નવા ચહેરા ભાગ લેવાના છે તેમાં મોટાભાગના પ્રચલિત નામોના પુત્ર-પુત્રી, ભાઈ બહેન કે તેમના પરિવારના સભ્યો જ છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે રાજ્ય સંઘ ક્રિકેટની સ્થિતિ પણ ખાસ અલગ નથી. જૂના અધિકારીઓની જગ્યાએ નવા અધિકારી પસંદ કરવામાં આવ્યા છે તે જૂના અધિકારીઓના સગા સંબંધી છે. તમામ ક્રિકેટ એસોસિએશનમાં આવો જ બદલાવ આવ્યો છે. બીસીસીઆઈની નવી તસવીર જોઈએ સુધારા ટેકનીકલ રીતે લાગુ થઈ ચુક્યા છે અને નવા ચહેરાઓને જવાબદારી મળી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. તેમ છતાં જૂના અધિકારીઓના વર્ચસ્વને કોઈ આંચ આવી નથી.