સોનું ચાંદી પહેરીને મોંઘીદાટ ગાડીઓમાં આવનારા સોનીઓને ધિરાણની શું જરૂર ? !!

રાપર, તા. 13 : આર્થિક પછાત બિનઅનામત વર્ગના લોકોને રાહત રૂપ થવા સરકાર દ્વારા લોન માટેની અરજીઓ મગાવવામાં આવી છે. સરકાર દ્વારા આ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં રાપરના સોના-ચાંદીના વ્યવસાયીઓની લોન અરજીઓ એવા કારણોને લઈને નામંજૂર કરવામાં આવી છે કે સોનું ચાંદી પહેરીને મોંઘી ગાડીઓમાં ઈન્ટરવ્યૂમાં આવ્યા હતા. આ અરજીકર્તાઓ કોઈ પછાત વર્ગના તો ન હતા. વાર્ષિક આઠ લાખથી ઓછી આવક ધરાવતા વેપારીઓ હતા. ફોર વ્હીલ ગાડી તો સામાન્ય માણસ પણ હવે ખરીદી શકે છે. અને પોતાના સોના ચાંદીના ધંધાના વિકાસ માટે સરકાર પાસે લોન માગણી કરી હતી. પરંતુ ગાડીઓમાં આવેલ હોઈ અને સોનું પહેરેલું હોવાનું તુચ્છ કારણ આપી આ દરેક વ્યવસાયીઓની લોન અરજીઓ દ્વેષપૂર્ણ નામંજૂર કરવામાં આવી છે એવા અહેવાલથી દરેક અરજીકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. આ બાબતે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની પાસે રજૂઆત કરવામાં આવતાં એમને ડીપાર્ટમેન્ટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. અને એમણે જણાવ્યું કે મોટા ઉદ્યોગકારો લોન અરજીઓ કરતા હોય ત્યારે શું એ સરકારી બસમાં લોન લેવા માટે જતા હશે ? જેઓ હેલીકોપ્ટર લઈને જવા શક્તિમાન હોય છે. છતાં એમની લોન મંજૂર થતી હોય છે. જ્યારે તુચ્છ કારણોને લઈ લોન નામંજૂર કરનાર અધિકારીઓ સરકારની યોજનાઓનો ફિયાસ્કો કરતા હોય છે. મંદીના માહોલને દૂર કરવા સરકાર સકારાત્મક વલણ લઈ વેપારીઓને રાહત આપવા તત્પર હોય છે પરંતુ આવા નકારાત્મક માનસિકતા ધરાવતા અધિકારીઓ સરકારી યોજનાઓ પર પાણીઢોળ કરતા હોય છે. આ બાબત એમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આર્થિક પછાત વર્ગના નિગમ પાસે આ બાબત રજૂઆત કરવામાં આવશે.જો સંતોષકારક જવાબ ન મલે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે સમય લઈ રૂબરૂ મુલાકાતથી આ બાબત રજૂઆત કરવામાં આવશે એવું શ્રી સોનીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer