કપાસ ન ફૂટતાં પરપ્રાંતીય શ્રમજીવીઓનું સ્થળાંતર
કાઠડા (તા. માંડવી), તા. 13 : વધુ વરસાદના કારણે કપાસના પાકને મોટું નુકસાન થયું છે. જેની અસર દર વર્ષે કપાસ વીણવા આવતા અને ચુસિયા તરીકે ઓળખાતા પરપ્રાંતીય મજૂરવર્ગ પર મોટા પાયે થઇ છે. ભાદરવા માસમા આવતા આ પરપ્રાંતીય લાયજા, શિરવા, કોડાયપુલ, રાયણ પાટિયા સહિતની અનેક જગ્યાએ આવી અને પ્લાસ્ટિકના તંબુ તાણીને રોકાઇ જાય છે. આજુબાજુ પાંચથી સાત કિ.મી.ના અંતર સુધી ખેડૂતોના વાહનથી કે પગે ચાલીને રોજ વહેલી સવારે કપાસના ખેતરોમાં વીણવા પહોંચી જાય છે અને એક કિલોના હિસાબે ઉધળું કપાસ આખો દિવસ વીણતા હોય છે. નવરાત્રિ તથા દિવાળી અગાઉ એમના પાસે એટલું કામ હોય છે કે દિવાળી સુધી તો એમની ચાર-પાંચ દિવસ પહેલાની બુકિંગ ચાલતી હોય છે પરંતુ ચાલુ વર્ષે વરસાદના કારણે કપાસના પાકને મોટું નુકસાન થયું છે. હાલમાં તો અમુક જગ્યા અને નહિવત કપાસ ફૂટયો છે અને જે ફૂટયો છે તે પણ કાળો દેખાઇ રહ્યો છે અને વીણવામાં પણ આસાન નથી, જેથી આ પરપ્રાંતીઓને મજૂરી પણ પૂરતી ન નીકળે તેવી પરિસ્થિતિ હોતાં આ મજૂરવર્ગ પર પણ મંદીની અસર છે. જો સારો કપાસ હોય તો શિરવા સ્ટેશન પાસે ઓછામાં ઓછા 30થી 40 પરિવાર આવે છે. રોજ સાંજે અહીં ખેડૂતો આવી જાય અને બુકિંગ ચાલુ હોય તેની જગ્યાએ હાલની પરિસ્થિતિએ આ મજૂર લોકો આવ્યા તો ખરા પણ બેથી ત્રણ દિવસ રોકાઇ અને પૂરતા રોજગારના અભાવે અન્ય વિસ્તારોમાં પાછા ચાલ્યા ગયા.તો લાયજા, કોડાય રસ્તા ઉપર પણ બહુ જ ઓછા આ લોકો દેખાઇ રહ્યા છે. હાલમાં ગઢશીશા રોડ ખાતે રાયણ પાટિયા પાસે દર વર્ષે આવતા આ લોકોની મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે, `કયા કરેં ભઇ ધંધા હે નહીં, બહોત કમ કપાસ ફુટા હે ઉસમેં મજૂરી ભી નહીં નીકલ રહી હૈ', કપાસની નુકસાનીની અસર મજૂરવર્ગ ઉપર પડી રહી છે. ત્યારે બીજ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વગેરેનો ખર્ચ કરી જેના ઉપર આસરો રાખતા રોકડિયા પાક નહિવત થતાં તેની અસર ધરતી પુત્રો ઉપર કેટલી હશે તે સમજી જ શકાય છે