તલવાણામાં પરિણીત યુવતીનો અકળ આપઘાત : આદિપુરમાં દાઝી જવાથી શ્રમજીવી કારીગરનું મોત

ભુજ, તા. 13 : માંડવી તાલુકાના તલવાણા ગામે 32 વર્ષની વયની પરિણીતા કૃપાબેન તેજસ પોકારે કોઇ અગમ્ય કારણોથી પ્રેરાઇ ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. તો બીજીબાજુ આદિપુરમાં અકસ્માતે આગ લાગવાની ઘટનામાં ગેસનો બાટલો રિપેર કરવા માટે ગયેલા ગાંધીધામના હીરજી ભીમજી મહેશ્વરી (ઉ.વ.52)નો જીવનદીપ બુઝાયો હતો. જ્યારે ભુજ તાલુકાના માધાપર ગામે 58 વર્ષની વયના દેવજીભાઇ નાનજી પટેલ તેમના ઘરમાં શૌચાલયમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.  જિલ્લામાં અપમૃત્યુના બનાવોનો રોજિંદો સિલસિલો જારી રાખતાં આ કિસ્સાઓ પૈકી માંડવી તાલુકાના તલવાણા ગામે કૃપાબેન પોકાર નામની પાટીદાર પરિણીતાની અકળ આપઘાતની ઘટના ગત મધ્યરાત્રિએ બની હતી. આ હતભાગી તેના ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતી મળી આવી હતી. પોલીસ સૂત્રોએ આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે મરનારે કયા કારણે આ અંતિમ પગલું ભરી લીધું તે હજુ સ્પષ્ટ થયું નથી. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કારણો સહિતની તપાસ હાથ ધરી છે.  બીજીબાજુ આદિપુર ખાતે ગાંધીધામના હીરજીભાઇ મહેશ્વરી (ઉ.વ.52)ના અપમૃત્યુનો કિસ્સો પોલીસ દફતરે ચડયો છે. પોલીસે આપેલી માહિતી મુજબ ભોગ બનનારા પ્રૌઢ ગેસના બાટલાની મરંમતનું કામ કરતા હતા. તેઓ બાટલો રિપેર કરવા ગયા હતા ત્યારે બાજુમાં પડેલા સળગતા સ્ટવના લીધે આગ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. રામબાગ હોસ્પિટલથી વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયેલા આ હતભાગીનું સારવાર દરમ્યાન આજે મૃત્યુ થયું હતું. આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી છાનબીન હાથ ધરી છે. દરમ્યાન ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે નવાવાસ રણકો વિસ્તારમાં 58 વર્ષની વયના દેવજીભાઇ પટેલ તેમના ઘરમાંથી મૃત મળી આવતા બી- ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. ગત રાત્રે આ પ્રૌઢના એક મિત્ર તેમના ઘરે જતા દરવાજો ખટખટાવાતાં દરવાજો ખુલ્યો ન હતો. આ પછી તપાસ કરી બીજી ચાવી વડે ઘર ખોલીને અંદર જવાયા પછી મૃતક શૌચાલયમાં બેઠેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. મરનારનું મૃત્યુ કઇ રીતે થયું તે બાબત પોસ્ટમોર્ટમ અહેવાલના આધારે બહાર આવશે. તેમ પોલીસે ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer