કોઠારામાં તળાવ નજીક મોટા પાયે દબાણ

કોઠારા (તા. અબડાસા), તા. 13: અબડાસાના કોઠારા ગામે બસ સ્ટેશન વિસ્તાર, જંગી તળાવની આવ અને જાહેર સ્થળોએ મોટા પાયે જમીન દબાણ થતાં ગામનાં જાગૃત નાગરિકોએ આવું દબાણ દૂર કરવા માગણી કરી છે.  કોઠારા ગામતળની લગોલગ બસ સ્ટેશન વિસ્તારની જમીન સર્વે નં. 853 પૈકીની જમીન મહેસૂલી ખાતા હસ્તક છે. અહીંથી નજીકમાં જ તળાવ અને તળાવની આવ આવેલી હોતાં દબાણકારોએ તળાવની આવમાં પણ દબાણ કર્યું છે. સીમતળની એવી આ જમીન મોકાની છે. એટલા જ વિસ્તારમાં 250થી 300 જેટલા દબાણો છે. સરકરી જમીન પર શોપિંગ સેન્ટર અને દુકાનોનું નિર્માણ થયું છે. અમુક સિરજોર તત્ત્વોએ સરકારી જમીન પચાવી પાડી દુકાનોનું નિર્માણ  કરી  રૂા. પાંચથી સાત હજાર દર મહિને ભાડાંથી આપી દીધી છે.  બે દાયકા પૂર્વે કોઠારા ગામે મહેસૂલતંત્રે દબાણ દૂર કર્યું હતું પણ તે પછી અનેક ઘણા દબાણો થઈ ગયા છે. બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં દબાણોનાં ખડકલાના કારણે ટ્રાફિક વ્યવસ્થા અવરોધાય છે. દબાણ દૂર કરવા કોઈ નિયંત્રણ ન હોતાં બહાર ગામના લોકોએ કિંમતી જમીન પચાવી પાડી તેના પર દુકાનો બાંધી  ભાડેથી આપી દીધી છે. કોઠારા તળાવની આવ પર જંગીમાં પણ દબાણકારોએ મોટા પાયે દબાણ કર્યું છે. આમ, તો જમીન દબાણો તળાવની આવને અવરોધે છે પણ ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ વધુ થતાં તળાવો છલકાઈ ગયા હતા અને જંગી દબાણકારો દુકાન તોડી ચાલ્યા ગયા હતા, જ્યાં સુધી જંગીમાં પાણી રહેશે ત્યાં સુધી દબાણકારો પોતાની મૂળ જગ્યાએ પાછા નહીં ફરે. કોઠારાના માનપુરા વિસ્તારમાં પણ આડેધડ જમીનદબાણ થયું છે, પરિણામે દર વર્ષે ચોમાસામાં પાણીના વહેણ અવરોધાતાં વિસ્તાર ડૂબમાં આવી જાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer