યુવાન માતા બાળકી સાથે મળી આવતાં આશ્રયસ્થાન અપાયું

ભુજ, તા. 13 : માનવજ્યોત સંસ્થા ભુજને ગાંધીધામથી કોઇક અજાણી વ્યક્તિનો ફોન આવેલો કે ગાંધીધામના બાયપાસ એક રોડના પુલિયા ઉપર એક યુવાન મહિલા તેની બાળકી સાથે છેલ્લા સાત દિવસથી બેઠી છે. એ અજાણી વ્યક્તિએ કહેલું કે, નાની બાળકીને એક બહેન દત્તક લેવા માગે છે અને મહિલાને ભુજ મોકલીએ છીએ. માનવજ્યોતના પ્રબોધ?મુનવરે તેમને સલાહ આપી કે અમે કોઇપણ સંજોગોમાં દત્તક આપી શકતા નથી. તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે. ત્યારબાદ બીજા જ દિવસે અજાણી વ્યક્તિ ગાંધીધામથી માતા (ઉ.વ. 28) અને બાળકી (ઉ.વ. 2)ને અજાણ્યા વાહન દ્વારા વહેલી સવારે માધાપરમાં ઉતારીને ચાલ્યા ગયા. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત પાસે માતા-દીકરીને એકલી અટુલી જોઇ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા તથા હંસાબેન હરશિયાણીએ માનવજ્યોતના પ્રબોધ મુનવરને જાણ કરતાં તેઓની ટીમ માધાપર પહોંચી જઇ?માતા-દીકરીને માનવજ્યોત કાર્યાલયે લઇ આવી તેમને ભોજન કરાવ્યું હતું. કચ્છ મહિલા કલ્યાણ?કેન્દ્રના ભક્તિબેન ભટ્ટનો સંપર્ક કરી માતા-દીકરીને કેન્દ્ર સ્થળે આશ્રય અપાવ્યો હતો. આ કાર્યમાં ગુલાબ મોતા અને માનવજ્યોતની ટીમે સહકાર આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer