મુંદરામાં ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો સરકારી હોસ્પિટલનો જ પ્રસિદ્ધ થાય છે

મુંદરા, તા. 13 : મુંદરામાં ડેન્ગ્યુ તાવના સરકારી હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવતા લોહીના સેમ્પલમાં પોઝિટિવ દર્શાવાતા દર્દીઓના જ આંકડા સરકારી રૂએ પ્રસિદ્ધ થાય છે. ખાનગી તબીબો પાસેથી સારવાર લેતા ડેન્ગ્યુ દર્દીઓનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો અનેક ગણો વધારે છે તેવો આક્ષેપ મુંદરા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય સલીમ જતે કર્યો હતો. શ્રી જતે જણાવ્યું છે કે કચ્છમાં સરકારી ધોરણે ડેન્ગ્યુનો ટેસ્ટ ફક્ત જિલ્લા કક્ષાએ થાય છે. તાલુકા મથકો અને મોટા ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રોમાં જે તાવના દર્દીઓ આવે છે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, જિલ્લા મથકે મોકલે છે ત્યારબાદ તેનો રિપોર્ટ તાલુકા મથકોમાં પહોંચે છે. આ પ્રક્રિયામાં બેથી ત્રણ દિવસ નીકળી જાય છે. મુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તા. 9 ઓકટોબરના મોકલાવાયેલા 25 સેમ્પલમાંથી 19 સેમ્પલ પોઝિટિવ નીકળ્યા હતા. જ્યારે અદાણી સંચાલિત સ્ટર્લિંગ હોસ્પિટલ ડેન્ગ્યુના દર્દીઓથી ખીચોખીચ ભરાયેલી રહે છે. માહિતી અધિકાર તળે આ?જિલ્લા પંચાયત સદસ્યે જિલ્લા પંચાયતમાંથી મેળવેલી માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે કર્મચારીઓની ઘટ મોટા પાયે છે. કચ્છમાં 83માંથી 26 ફીમેલ હેલ્થ સુપરવાઈઝરની જગ્યા ખાલી છે. જેમાંથી 11 જગ્યાઓ એક વર્ષથી વધુ સમયથી  ખાલી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer