વરસામેડીની સોસાયટીમાં યુવાન ઉપર હોકી વડે હુમલો

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના વરસામેડી બાગેશ્રી ટાઉનશિપમાં બે શખ્સોએ હોકી વડે હુમલો કરતાં એક યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. વરસામેડીના બાગેશ્રી ટાઉનશિપમાં રહેતા વિશાલકુમાર સુભાષચંદ્ર ગુપ્તા નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેના ઘરની બહાર શ્રીધરસિંગ અને એક અજાણ્યો શખ્સ આવ્યા હતા, શ્રીધરે ફરિયાદીને બહાર બોલાવીને મારી વિરુદ્ધ અયોગ્ય શબ્દો કેમ કહ્યા હતા તેમ કહી ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં બાઈકમાંથી હોકી કાઢી વેલસ્પન કંપનીના મેનેજર એવા આ યુવાન ઉપર હુમલો કર્યો હતો. જેમાં આ ફરિયાદી યુવાનને કોણીમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer