ડી.પી.ટી.ના કર્મીઓને પ્લોટની ફાળવણી કરવા રજૂઆત

ગાંધીધામ, તા. 13 : છેલ્લા 12 વર્ષથી દેશમાં પ્રથમ ક્રમાંકે રહેતા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષોમાં 100 એમ.એમ.ટી.ના ઐતિહાસિક આંકડાને કર્મચારીઓની ઓછી સંખ્યા હોવા છતાં હાંસિલ કર્યા છે. આ પોર્ટને દેશના તમામ મહાબંદરગાહોમાં પ્રથમ હરોળમાં લઈ જવામાં કર્મચારીઓનો સિંહફાળો છે છતાં પણ તંત્ર આ કર્મચારીઓની રહેણાક પ્લોટની વર્ષો જૂની માગણી સ્વીકારતું નથી. અગાઉ ડી.પી.ટી.એ વર્ષ?1976, 1983, 1989, 1999 એમ ચાર વખત કુલ 2693 પ્લોટ કર્મીઓને રાહતદરે આપ્યા છે. જેનાથી અપનાનગર, શક્તિનગર, સપનાનગરમાં 245 એકર જમની થકી આ વસાહતો આજે ઊભી છે. બાકી રહી ગયેલા કર્મીઓ વર્ષ 2000થી રહેણાક પ્લોટ અંગે તંત્ર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. જેથી ડી.પી.ટી. ટ્રસ્ટી બોર્ડે ટાઉનશિપ પોલિસીમાં કર્મચારીઓને રહેણાકના પ્લોટની ફાળવણી થાય એવી હકારાત્મક જોગવાઈ કરી છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી બાકી છે. ડી.પી.ટી.માં કાર્યરત 2800 જેટલા કર્મીઓ પૈકી 1000 જેટલા કર્મચારીઓને લાભ મળે તેમ છે. શહેરના ઉત્તર ભાગની જમીનનો વિકાસ થઈ ગયો છે, પરંતુ દક્ષિણ તરફના આખા એક ભાગમાં 1000 એકર જેટલી જમીન વેરાન પડી છે તેમજ આ દક્ષિણ ભાગમાં એન.યુ.-પ, ડી.સી.-પ વિસ્તારમાં 10પ એકર જમીન પોર્ટે કર્મચારીઓના રહેણાક માટે અનામત રાખી છે. દેશ આઝાદ થયાના આટલા વર્ષો બાદ પણ 1000 એકર જમીન કોઈને ફાળવણી થયા વિનાની પડી છે. જે શહેરનો વિકાસ થયો નથી તે સૂચવે છે. પ્લોટ ફાળવણીના બે વર્ષ દરમ્યાન કમ્પ્લીશન પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે. અન્યથા પ્લોટ રદ થઈ શકે છે. જેથી કોઈ પણ કર્મી આ પ્લોટનો ઉપયોગ રોકાણ માટે નહીં, પરંતુ ખરેખર પોતાના રહેવા માટે કરશે. જેથી શહેરનો ઝડપી વિકાસ થશે અને બજારમાં પણ તેજી આવશે. અગાઉ રાહતદરે પ્લોટ અપાયા હતા, પરંતુ હાલમાં આ ફાળવણી જંગી ભાવે કરવાની હોવાથી નીચલા વર્ગના કર્મચારીને પણ રૂા. 8 લાખ જેટલી રકમ ચૂકવવી પડશે આમ પોર્ટને પણ આવક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દરેક નાગરિકોને પોતાનું ઘર મળે તે માટે પ્રયાસ આદર્યા છે ત્યારે શિપિંગ મંત્રાલયે પણ કર્મીઓને પ્લોટની ફાળવણી કરીને યોગદાન આપવું જોઈએ તેવી રજૂઆત હાલમાં જ દીનદયાલ પોર્ટ ઓફિસર્સ એસો.એ શિપિંગ મંત્રાલયના સચિવને કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer