આદિપુર વૃદ્ધાના હત્યા પ્રકરણમાં પોલીસ સર્વગ્રાહી તપાસમાં જોતરાઇ

ગાંધીધામ, તા. 13 : આદિપુરના સતત ધમધતા 4-એ વિસ્તારમાં એકલા રહેલા મોહિનીબેન નામના વૃદ્ધાની કોઇ શખ્સો હત્યા કરી નાસી ગયા હતા. આ બનાવમાં પોલીસે સર્વગ્રાહી તપાસ હાથ ધરી છે. આદિપુરના 4-એ વિસ્તારમાં જ્ઞાનદીપ સોસાયટીમાં રહેતા મોહિનીબેન ગઇકાલે સવારે પોતાના ઘરે એકલા હતા. તેમના પતિ બહાર ગયા હતા. દરમ્યાન અજાણ્યા શખ્સો આ ઘરમાં ઘૂસ્યા હતા અને વૃદ્ધાના હાથ-પગ બાંધી દઇ તેમનું મોઢું દબાવી તેમના શ્વાસ રુંધાવી હત્યા કરી નાખી હતી. આ અજાણ્યા શખ્સોએ પાછળનો દરવાજો અંદરથી બંધ કરી આગળના દરવાજાથી નાસી ગયા હતા. આ બનાવે ભારે ચકચાર જગાવી હતી. આ બનાવ પાછળનો પડદો ઊંચકવા માટે સ્થાનિક પોલીસ અને એલ.સી.બી.એ દોડધામ કરી છે. પોલીસે આસપાસના સી.સી. ટી.વી. કેમેરા, મોબાઇલના સી.ડી.આર., શંકાસ્પદ લોકોની પૂછપરછ વગેરે તપાસ હાથ ધરી છે તેવું આદિપુરના પી.એસ.આઇ. બી. ડી. ઝીલડિયાએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer