નખત્રાણા ગેટકો ડિવિઝનમાં ખોટા નંબરના ભંગાર ટેમ્પો વેચાણનું કૌભાંડ

અંજાર, તા.13 : નખત્રાણા ગેટકો ડિવિઝનના લાખો રૂા.ના કંડક્ટર ક્રેપ ચોરી પ્રકરણની હજી તો શાહી સુકાઈ નથી ત્યાં વળી હાલમાં ક્રેપ ડિકલેર થયેલા વાહન ટેમ્પો ટાટા 407 નંગ-2 વેચાણમાં એક જ નંબરનો ટેમ્પો બીજી વાર વેચાતાં ગેરરીતિનાં આક્ષેપ ઊઠયા છે, જેમાં નખત્રાણાથી અંજાર સુધીના અનેક લોકોની સંડોવણી હોવાનું ચર્ચાય છે. નખત્રાણા ગેટકો ડિવિઝનમાં તત્કાલિન કાર્યપાલક ઈજનેર શ્રી વેકરિયા, નાયબ ઈજનેર શ્રી ચૌહાણ, ટેક તથા એકાઉન્ટ વિભાગના ડીવાયએસએ વાઘેલા દ્વારા બંને વાહનની ક્રેપ પ્રપોજલ બનાવવામાં આવી, તેમાં ટેમ્પો નાં. જીજે 12 ટી 7476 કે જે સારી હાલતનો હતો તેના બદલે જીજે 12 બીવી 8958 નંબર લખી પ્રપોજલ બનાવવામાં આવી અને પહેલી પાર્ટીને નાણાકીય ગેરરીતિ કરી સારી કંડિશનનો આ ટેમ્પો આપી દેવામાં આવ્યો હતો. હાલમાં બીજી પાર્ટી બીજો ટેમ્પો લેવા આવી ત્યારે તેના ઓર્ડરમાં પણ ગાડી ના જીજે 12 બીવી 8958નો ઓર્ડર હતો. આમ સ્થળ ઉપર ખરેખર જીજે 12 વી 8958 નાં.નો ટેમ્પો હતો. આથી લેવા આવનાર પાર્ટી તથા હાલમાં જ નવા આવેલા અધિકારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમના ઉપર ઉપરની કચેરીના અધિકારી ઈજનેર અંજાર દ્વારા દબાણ કરવામાં આવ્યું તેમ છતાં તેઓ ટસ-ના મશ ન થતાં તેમણે ખોટા ટેમ્પોના નાં.નો ગેટપાસ બનાવી ટેમ્પો આપવાની ના પાડી અને એમએસટીસીએ પણ આવા ખોટા નં. સુધારી આપવાની ના પાડી. આથી હાલના અધિકારીઓએ ગેટપાસમાં ખોટા અને સાચા નં. બંનેનો ઉલ્લેખ કરી તેમણે સાચી વિગત લખી પાર્ટી પાસે લખાણ લખાવી વાહન આપ્યું.આમ ઉપરના ત્રણે અધિકારીઓ સામે ખોટા નંબરનું ટેમ્પો કૌભાંડ  આચરાયું હોવાની ચર્ચા જાગી છે. આ બાબત દબાવી દેવા માટે નખત્રાણા ગેટકો ડિવિઝનના ડી.ઈ.એ તથા ડી.વાય.એસ.એ. સામે આવેલા પરંતુ હાલના ગેટકોના અધિકારી પાસે તેમની દાળ ન ગળતાં હવે શું થશે તેવી મૂંઝવણમા મુકાઈ ગયા છે.આ વાત ધ્યાનમાં આવતાં ગેટકો તંત્ર ચોકી ઊઠયું છે. આ બાબતે નખત્રાણા ગેટકો ડિવિઝનના તત્કાલિન કા. પા. ઈજનેર કે. એન. વેકરિયાને મોબાઈલ પર પૂછતાં તેમણે જણાવ્યું કે, તેમના સમયે જીજે 12 ટી 7476 વાળો ટેમ્પો જ અપાયો હતો. ટાઈપ મિસ્ટેક હોઈ શકે ગેરરીતિનો પ્રશ્ન જ નથી રહેતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer