બે દાયકા બાદ ભૂકંપમાં અવસાન પામેલા બાળકોને સાચી શ્રદ્ધાંજલિ

બે દાયકા બાદ ભૂકંપમાં અવસાન પામેલા બાળકોને સાચી શ્રદ્ધાંજલિ
રશ્મિન પંડયા દ્વારા-  અંજાર, તા. 8 : હાલમાં અવાવરુ અને નિર્જન હાલતમાં ભાસતી વીરાંજલિ બાળભૂમિમાં આગામી 14/10થી 24 કલાક અખંડ રામધૂનનો પ્રારંભ થશે. 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારમાં શહીદ થયેલા શહેરના 185 વિદ્યાર્થીઓ, 21 શિક્ષકો, બે પોલીસકર્મી તેમજ એક ક્લાર્ક સાથે 209 લોકોના વીરગતિ સ્થાન વીરાંજલિ બાળભૂમિમાં અનેક જાહેરાતો અને વચનો  અપાયા છતાં માત્ર બાઉન્ડરી વોલ જ બનાવાઈ. ભૂકંપના બે દાયકા પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે કોઈ કામગીરી સુધરાઈ કે વહીવટી તંત્ર દ્વારા ન કરાઈ માત્ર વાલીમંડળ દ્વારા આ સ્થળે થોડી કામગીરી કરાઈ હતી. હાલમાં અવાવરુ અને નિર્જન હાલતમાં મુકાયેલી આ જગ્યાએ દારૂની કોથળીઓ, ખોટા ધંધા, જુગારીઓની અવરજવરથી શહેરીજનો અને આજુબાજુના લોકો ત્રસ્ત બની ગયા છે. ત્યારે આગામી 14/10થી આ જગ્યા પર શહેરના અખંડ રામધૂન મંડળ દ્વારા આ `વીરાંજલિ' બાળભૂમિ પર 24 કલાક અખંડ રામધૂનનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરીજનોના સહકાર અને સહયોગથી આ સ્થળ પર અખંડ રામધૂનનો પ્રારંભ થશે અને આ ભૂમિ પર શહીદ થયેલા લોકોને સાચી અંજલિ મળશે. અખંડ રામધૂનનો આ શહેરમાં સૌપ્રથમ વખત મંડળ દ્વારા પ્રારંભ કરાઈ રહ્યો છે. જેમાં સૌને સહયોગ-સહકાર આપવાની અપીલ કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer