ડેંગ્યુના શંકાસ્પદ 11 કેસના પગલે દશેરાના આરોગ્યતંત્રનો ઘોડો દોડયો

ડેંગ્યુના શંકાસ્પદ 11 કેસના પગલે દશેરાના આરોગ્યતંત્રનો ઘોડો દોડયો
મુંદરા. 8 : વરસાદની લગભગ દોઢ-બે માસ લાંબી ચાલેલી હેલી બાદ મુંદરા તાલુકામાં એકાએક માથું ઊંચકનારા રોગચાળાએ દેખા દેતાં વ્હેંત જ ભારે ચર્ચા જગાવી દીધી કારણ કે શંકાસ્પદ ડેંગ્યુના કિસ્સા એક પછી એક ખૂબ જ ઝડપભેર બહાર આવવા મંડતાં સફાળા જાગેલા આરોગ્યતંત્રનો ઘોડો દશેરાની રજામાં દોડયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરિયાના માર્ગદર્શન હેઠળ દશેરાના દિવસે મુંદરાના સુખપરવાસની પ્રાથમિક શાળામાં યોજાયેલ આરોગ્ય નિદાન કેમ્પમાં 143 લોકોને સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં અદાણી હોસ્પિટલમાં સુખપરવાસના 11 લોકોને શંકાસ્પદ ડેંગ્યુનો રિપોર્ટ આવતાં રજૂઆતના પગલે અદાણી ફાઉન્ડેશનના યુનિટ હેડ પંક્તિબેન શાહના માર્ગદર્શન હેઠળ મનહર ચાવડા અને એમની ટીમના ડો. નરેન્દ્ર ડોડિયા, ડો. મુકેશ પરમાર, જયરાજ સોધમ તથા મેઘજીભાઇ ચંદેએ નિદાન કરીને મફત સારવાર આપી હતી. વધુમાં વિગત આપતાં મનહરભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી અદાણી હોસ્પિટલમાં માત્ર 20 રૂપિયામાં નિષ્ણાંત ડોકટર દ્વારા તપાસ તથા દરેક પ્રકારના એક્સ રે, સોનોગ્રાફી અને લેબોરેટરી તપાસમાં 90 ટકા સુધીની રાહત શરૂ કર્યા બાદ બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે અને દર્દીઓને આવવા જવા માટે બારોઇ નવા સ્વામિનારાયણ મંદિર, આદર્શ ટાવર, લીલાવંતી હોસ્પિટલ અને આર. ડી. હાઇસ્કૂલ પાસેથી ઉપડતા વાહનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસના હરિભાઇ જાટિયા, પ્રકાશ ઠક્કર, સુધીર ઝાલા તથા રાજશી સોલંકી સહયોગી રહ્યા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer